Last Updated on by Sampurna Samachar
FBI ના દસ્તાવેજમાં દાવો કરવામાં આવ્યો
ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ ભડક્યાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાનો કુખ્યાત યૌન ગુનેગાર અરબપતિ જેફરી એપસ્ટિનને લઈને ફરી વિવાદ બહુ વધારે ચર્ચામાં છે. ત્યારે હાલમાં સામે આવેલા એક FBI ના દસ્તાવેજમાં દાવો કરવામાં આવ્યો છે કે, એપસ્ટિનને કથિત રીતે પૂર્વ ઈઝરાયલી વડાપ્રધાન અહૂદ બરાકના શાસનકાળમાં જાસૂસ તરીકે ટ્રેનિંગ આપવામાં આવી હતી. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તમામ આરોપોને ફગાવી કહ્યું હતું કે એપસ્ટિન ઈઝરાયલ માટે કામ કરતો હતો તેનો કોઈ પુરાવો નથી.

આ દસ્તાવેજ FBI ના એક ગુપ્ત સૂત્ર રિપોર્ટનો એક હિસ્સો છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં અમેરિકાની ચૂંટણી પ્રક્રિયામાં વિદેશી પ્રભાવ સાથે જોડાયેલી જાણકારી છાપવામાં આવી છે. પરંતુ સૂત્રએ એપસ્ટિન સાથે જોડાયેલા ઘણા દાવા પણ તેમાં રજૂ કર્યા છે.
કોઈ ઠોસ પુરાવા સાર્વજનિક રૂપે સામે આવ્યા નથી
રિપોર્ટ મુજબ, સૂત્ર દ્વારા હાર્વર્ડ લો પ્રોફેસર એલન ડેરશોવિટ્ઝ અને એપસ્ટિન વચ્ચેના ફોન કોલ્સની વાતો નોટ કરવામાં આવી હતી. જે વાતો ઈઝરાયલની ગુપ્ત એજન્સી મોસાદ સુધી પહોંચાડવામાં આવતી હતી.
રિપોર્ટમાં એ પણ દાવો છે કે, સૂત્ર સાથે થયેલી વાતચીતથી એ બંધારો બાંધવામાં આવ્યો કે એપસ્ટિન મોસાદનો સહયોગી એજન્ટ હોઈ શકે છે. તે દરમિયાન કથિત રીતે એ પણ કહેવામાં આવ્યું કે એપસ્ટિન અમેરિકા અને સહયોગી દેશોની ગુપ્ત એજન્સીઓ સાથે જોડાયેલો હતો. જોકે તમામ દાવા એક સૂત્ર પર આધારીત છે તેની કોઈ સ્વતંત્ર પુષ્ટિ કરવામાં આવી નથી.
દસ્તાવેજમાં અન્ય વિવાદિત આરોપ પણ મૂકવામાં આવ્યા છે. હાર્વર્ડ લો પ્રોફેસર એલન ડેરશોવિટ્ઝને મોસાદ સાથે સંબંધ હોવાનો દાવો, સિલિકોન વેલીની એક વેન્ચર ફર્મ પર ટેકનોલોજી ચોરીનો આરોપ, ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનરના પરિવારના ઈઝરાયલ સાથે ગાઢ સંબંધોનો ઉલ્લેખ, આ માત્ર આરોપો છે તેના કોઈ ઠોસ પુરાવા સાર્વજનિક રૂપે સામે આવ્યા નથી.
બીજી તરફ એપસ્ટિન અને પૂર્વ ઈઝરાયલી વડાપ્રધાન અહૂદ બરાક વચ્ચે સંબંધોની પહેલા પણ ચર્ચા થતી આવી છે. બંને વચ્ચે ખૂબ જ લાંબા સમય સુધી સંપર્ક રહ્યો બરાકે સ્વીકાર પણ કર્યો હતો કે ઘણીવાર એપસ્ટિનને મળ્યા હતા. જોકે તેમણે ખોટા કામ કર્યા હોવાનો ઈનકાર કર્યો હતો.
આ મુદ્દે પ્રતિક્રિયા આપતા ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે, એપસ્ટિન અને બરાક વચ્ચે ગાઢ સંબંધો હતા તેનો મતલબ એ નથી કે એપસ્ટિન ઈઝરાયલ માટે કામ કરતો હતો. તેમણે બરાક પર રાજનૈતિક હુમલો કરતાં કહ્યું કે, લાંબા સમયથી તેમની સરકારને નબળી પાડવાની કોશિશ થઈ રહી છે.
કુલ મળીને એપસ્ટિનને મોસાદનો જાસૂસ બતાવનારા માત્ર દાવા છે ગુપ્ત સૂત્ર અને રિપોર્ટ સુધી જાણકારી મર્યાદિત છે. તેની કોઈ સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી, જ્યારે ઈઝરાયલી સરકારે તેને ફગાવી દીધા છે. એવામાં આ મામલો હાલ આરોપ પ્રત્યારોપ વચ્ચે ફસાયેલો છે. ન તો ગુપ્ત માહિતી સત્તાવાર થશે ન એપસ્ટિન મોસાદનો એજન્ટ હતો તેવું ભવિષ્યમાં પુરવાર થશે.