Last Updated on by Sampurna Samachar
છિંદવાડા જિલ્લામાં બાળકીને જન્મ આપીને કમોડમાં ફ્લશ કર્યું
મહિલા હોસ્પિટલ કર્મચારીને ટોઇલેટમાં શંકા જતાં હોસ્પિટલને કરી જાણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાંથી એક ખૂબ જ અસંવેદનશીલ ઘટના સામે આવી છે. અહીં એક નવજાત બાળકીનો મૃતદેહ હોસ્પિટલના શૌચાલયમાં ફસાયેલો મળી આવ્યો હતો. લોકોને એવી શંકા છે કે, બાળકીના જન્મ બાદ તેને શૌચાલયમાં ફ્લશ કરી દેવામાં આવી હતી. જે સમાચારથી સમગ્ર હોસ્પિટલમાં હાહાકાર મચી ગયો હતો.

જણાવી દઈએ કે, છિંદવાડાની એક હોસ્પિટલમાં શૌચાલયમાં ફસાયેલ બાળકીના મૃતદેહથી ઉજાગર થાય છે કે હજુ પણ દિકરા – દિકરીમાં ભેદ રાખવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, છિંદવાડા જિલ્લાના પારસિયા સિવિલ હોસ્પિટલમાં એક શરમજનક ઘટના બની હતી, જ્યાં એક નવજાત બાળકીનો મૃતદેહ હોસ્પિટલના શૌચાલયમાં ફસાયેલો મળી આવ્યો હતો. પોલીસને જાણકારી મળ્યા બાદ પોલીસે ભારે મહેનત પછી શૌચાલય તોડીને બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
પોલીસે આ મામલે કેમેરા તપાસ શરૂ કરી
એવું જણાવવામાં આવ્યું છે કે, જ્યારે એક મહિલા હોસ્પિટલ કર્મચારી ટોઇલેટમાં ગઈ અને ફ્લશ કર્યું, તો પાણી ગયું નહીં. શંકાસ્પદ લાગતાં, તેણે અંદર ડોકિયું કર્યું અને નવજાત બાળકીનો હાથ અને માથું ફસાયેલો જોયો હતો. ગભરાઈને, મહિલા કર્મચારીએ તાત્કાલિક હોસ્પિટલ મેનેજમેન્ટને ઘટના અંગે જાણ કરી હતી.
જ્યારે હોસ્પિટલ મેનેજમેન્ટને ટોઇલેટ કમોડમાં ફસાયેલી નવજાત બાળકીના મૃતદેહની માહિતી મળી, ત્યારે તેઓએ ANC, PNC અને લેબર રૂમમાં શોધખોળ હાથ ધરી, પરંતુ તાજેતરમાં જ પ્રસૂતિ કરનાર અને બાળક વિનાની કોઈ ગર્ભવતી મહિલા મળી નહીં.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મ્યુનિસિપલ કર્મચારીઓ અને હોસ્પિટલ સ્ટાફની મદદથી શૌચાલય તોડી પાડવાનું શરૂ કર્યું હતું. જોકે, ભારે મહેનત બાદ નવજાત શિશુનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
કેસની તપાસ કરી રહેલી પોલીસને શંકા છે કે, માતા અને તેના પરિવારે આ અમાનવીય કૃત્ય કર્યું હશે, કારણ કે શૌચાલયના કમોડમાં ફસાયેલ નવજાત શિશુ એક બાળકી હતી. હાલમાં, પોલીસ હોસ્પિટલના દર્દીઓ, કેમેરા ફૂટેજ અને રજિસ્ટર તપાસી રહી છે, જેથી સંડોવાયેલી મહિલાની ઓળખ કરી શકાય.