Last Updated on by Sampurna Samachar
૨૨ ધારાસભ્ય મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના નજીકના
મુખ્યમંત્રીએ આ દાવાનો ઈનકાર કરી દીધો
(સંપૂર્ણ સમાચાર સેવા)
શિવસેના ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ દાવો કર્યો કે, મહાયુતિની એક સહયોગી પાર્ટીના ૨૨ ધારાસભ્ય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ‘નજીકના‘ થઈ ગયા છે અને પાર્ટી બદલવા માટે તૈયાર છે. તેમનો પરોક્ષ રીતે ઈશારો નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના તરફ હતો. જોકે, મુખ્યમંત્રીએ આ દાવાનો ઈનકાર કરી દીધો છે.

શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાનું નામ લીધા વિના, વિધાન ભવન સંકુલમાં પત્રકારો સાથે વાત કરતા આદિત્ય ઠાકરેએ દાવો કર્યો કે, “એક શાસક પક્ષ અને બે જૂથો છે. એક જૂથના બાવીસ ધારાસભ્યો મુખ્યમંત્રીની નજીક આવી ગયા છે. તેમની પાસે સારા પૈસા છે અને તેઓ તેમના ઇશારા પર નાચી રહ્યા છે. આ ૨૨ ધારાસભ્યો પક્ષપલટો કરવા માટે તૈયાર છે.
શિવસેના ૨૦ ધારાસભ્યો સાથે નીચલા ગૃહમાં સૌથી મોટો વિરોધ પક્ષ
વર્લીના ધારાસભ્ય ઠાકરેએ કહ્યું કે, આ ૨૨ ધારાસભ્યોમાંથી એક પોતાને “ઉપ-કેપ્ટન” કહે છે. તેઓ આડકતરી રીતે ઉદ્યોગ મંત્રી ઉદય સામંતનો ઉલ્લેખ કરી રહ્યા હતા. ભૂતકાળમાં, શિવસેનાએ દાવો કર્યો હતો કે, સામંતને શિંદે અને અજિત પવાર સાથે રાજ્યના ત્રીજા નાયબ મુખ્યમંત્રી બનાવી શકે છે. રાજ્ય વિધાનસભાના બંને ગૃહોમાં વિપક્ષી નેતાઓની નિમણૂક અંગે નિષ્ક્રિયતાના મુદ્દા અંગે, આદિત્ય ઠાકરેએ પ્રશ્ન કર્યો કે સરકાર વિપક્ષી નેતાઓથી કેમ ડરે છે?
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આદિત્ય ઠાકરેને જવાબ આપતા કહ્યું, “જાે કોઈ આવું કહે છે, તો કાલે કોઈ બીજું દાવો કરી શકે છે કે આદિત્ય ઠાકરેના ૨૦ ધારાસભ્યો પણ ભાજપમાં છે. ફક્ત આવું કહેવાનો કોઈ અર્થ નથી.” તેમણે સ્પષ્ટતા કરી કે ભાજપને તેમના ધારાસભ્યોને લેવાની કોઈ જરૂર નથી.
નોંધનીય છે કે, જૂન, ૨૦૨૨માં શિંદેના નેતૃત્વમાં ધારાસભ્યોના વિદ્રોહ બાદ શિવસેનાનું વિભાજન થઈ ગયું હતું. જેના કારણે તત્કાલિન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારબાદ જાન્યુઆરી, ૨૦૨૪માં વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે કહ્યું હતું કે, એકનાથ શિંદેના નેતૃત્વવાળું જૂથ ‘અસલી‘ શિવસેના છે, જે ભાજપ અને નાયબ મુખ્યમંત્રી અજીત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે રાજ્યમાં સત્તાધારી મહાયુતિનું એક ઘટક છે.
શિવસેનાના નેતા ભાસ્કર જાધવને તેમની પાર્ટી દ્વારા વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પદ માટે નામાંકિત કરવામાં આવ્યા છે, પરંતુ કેબિનેટ સ્તરની આ નિમણૂક અંગે સ્પીકર દ્વારા કોઈ ર્નિણય લેવામાં આવ્યો નથી. શિવસેના ૨૦ ધારાસભ્યો સાથે નીચલા ગૃહમાં સૌથી મોટો વિરોધ પક્ષ છે.
અગાઉ, જાધવે રાજ્ય વિધાનસભાને પત્ર લખીને જાણવા માંગ્યું હતું કે, શું એવો કોઈ નિયમ છે કે વિરોધ પક્ષ પાસે વિરોધ પક્ષના નેતા પદ માટે દાવો કરવા માટે વિધાનસભાની કુલ સંખ્યાના ૧૦ ટકા (૨૮૮ માંથી ૨૯ બેઠકો) હોવી જોઈએ.
નોંધનીય છે કે, ગયા વર્ષે રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં વિરોધ પક્ષની કારમી હાર બાદ, કોઈપણ પક્ષ કુલ ૨૮૮ બેઠકોમાંથી ૧૦ ટકા બેઠકો જીતી શક્યો ન હતો. શિવસેનાના પૂર્વ સભ્ય વિધાન પરિષદ અંબાદાસ દાનવેનો વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા તરીકેનો કાર્યકાળ ઓગસ્ટમાં સમાપ્ત થયો હતો. કોંગ્રેસે તેમના સતેજ પાટિલને ઉપલા ગૃહમાં વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવા માટે નામાંકિત કર્યા છે.
રાજ્ય વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેએ જણાવ્યું હતું કે, તેમના કાર્યાલયને વિરોધ પક્ષના નેતાની નિમણૂક માટે એક પ્રસ્તાવ મળ્યો છે અને હિતધારકો સાથે વાતચીત કર્યા બાદ ર્નિણય લેવામાં આવશે.