વર્ક પરમિટના નવા નિયમોએ ભારતીયોની ચિંતા વધારી

Share this Article:

Last Updated on by Sampurna Samachar

કેનેડામાં નોકરી મળવી હવે પહાડ ચઢવા જેવું અઘરું!

આ નવા નિયમો મુજબ હવે કંપનીઓએ વિદેશીઓને નોકરીએ રાખતા પહેલા કેનેડાના સ્થાનિક યુવાનોને તક આપવી પડશે.

(સંપૂર્ણ સમાચાર સેવા)​

કેનેડામાં વસવાટ કરવા અને ત્યાં નોકરી મેળવવા ઈચ્છતા ભારતીય યુવાનો માટે મોટા પડકારો સામે આવ્યા છે. કેનેડા સરકારે વિદેશી કામદારો માટેના ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ અને લેબર માર્કેટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ ના નિયમોમાં આકરા ફેરફાર કર્યા છે. આ નવા નિયમો મુજબ હવે કંપનીઓએ વિદેશીઓને નોકરીએ રાખતા પહેલા કેનેડાના સ્થાનિક યુવાનોને તક આપવી પડશે અને વિદેશી લોકો માટે લાંબા સમય સુધી પ્રક્રિયા અટકાવી રાખવી પડશે, જેના કારણે ભારતથી કેનેડા જઈને નોકરી મેળવવા માંગતા લોકોને મોટો ઝટકો લાગી શકે છે.

કેનેડાની નવી નીતિ અને તેની અસરો – કેનેડામાં જ્યારે પણ કોઈ કંપની વિદેશી કામદારને નોકરી પર રાખવા માંગે છે, ત્યારે તેણે એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ કેનેડા પાસેથી LMIA સર્ટિફિકેટ મેળવવું પડે છે. આ સર્ટિફિકેટ મેળવવા માટે કંપનીએ સાબિત કરવું પડે છે કે તેણે તે કામ માટે કેનેડિયન નાગરિકોને શોધવાના પૂરતા પ્રયાસો કર્યા હતા, પરંતુ કોઈ લાયક સ્થાનિક ઉમેદવાર મળ્યો નથી.

કેનેડાએ નિયમોમાં ફેરફાર કેમ કર્યા?

અત્યાર સુધી કંપનીઓએ માત્ર ચાર અઠવાડિયા સુધી નોકરીની જાહેરાત આપવી પડતી હતી, પરંતુ હવે સરકારે આ સમયગાળો વધારીને આઠ અઠવાડિયા કરી દીધો છે. આનો અર્થ એ છે કે કંપનીએ બે મહિના સુધી સતત સ્થાનિક સ્તરે પ્રયાસો કરવા પડશે અને જો કોઈ કેનેડિયન ઉમેદવાર નહીં મળે, તો જ તેઓ વિદેશી કામદાર માટે અરજી કરી શકશે.

કેનેડાએ નિયમોમાં ફેરફાર કેમ કર્યા? – કેનેડા સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય હાલમાં દેશમાં વધી રહેલી બેરોજગારીને નાથવાનો અને ખાસ કરીને સ્થાનિક યુવાનોને રોજગારી પૂરી પાડવાનો છે. નવી નીતિ મુજબ, કંપનીઓએ માત્ર લાંબા સમય સુધી જાહેરાત જ નથી આપવાની, પરંતુ તેમણે એ પણ સાબિત કરવું પડશે કે તેમણે કેનેડિયન યુવાનોને ભરતી કરવામાં ચોક્કસ પ્રાથમિકતા આપી છે.

ESDC હવે ખૂબ જ કડક તપાસ બાદ જ LMIA જારી કરશે. જાે કંપનીએ યુવાનો માટે ખાસ જોબ પોસ્ટિંગ ન કરી હોય અથવા સ્થાનિક ઉમેદવારોને નકારવા માટે યોગ્ય કારણો ન આપ્યા હોય, તો તેમનું LMIA સર્ટિફિકેટ રદ થઈ શકે છે. આ ફેરફારને કારણે હવે કંપનીઓ માટે વિદેશી કામદારોને નોકરી પર રાખવું ઘણું જટિલ અને સમય માંગી લેતું બની જશે. જેની સીધી અસર ભારતીય લોકો પર પડશે. ભારતીયો માટે ઝટકો – આ નવા નિયમોની સૌથી વધુ માઠી અસર ભારતીય કામદારો પર પડવાની સંભાવના છે, જેઓ ખાસ કરીને હોટેલ, ટૂરિઝમ, રિટેલ અને એગ્રીકલ્ચર જેવા ક્ષેત્રોમાં કામ કરવા કેનેડા જાય છે.

અગાઉ ચાર અઠવાડિયાના ટૂંકા ગાળામાં ઘણીવાર સ્થાનિક કામદારો મળતા નહોતા, જેના કારણે ભારતીયોને સરળતાથી વર્ક પરમિટ મળી જતી હતી. પરંતુ હવે આઠ અઠવાડિયાના લાંબા સમયગાળામાં કોઈ ને કોઈ સ્થાનિક બેરોજગાર યુવાન નોકરી માટે મળી જવાની શક્યતા વધી જાય છે. આનાથી તે ભારતીયો માટે તકો ઘટશે જેઓ ઓછી આવક વાળી અથવા સર્વિસ સેક્ટરની નોકરીઓ દ્વારા કેનેડામાં પ્રવેશ મેળવતા હતા. કેનેડાએ હવે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પહેલા સ્થાનિક નાગરિકો અને પછી જ વિદેશીઓનો નંબર આવશે.

હવે કેનેડા જવું જોઈએ કે નહીં? – કેનેડાની વર્ક પરમિટ મેળવવી હવે પહેલા જેટલી સરળ રહી નથી. બદલાતા ભૌગોલિક અને આર્થિક સમીકરણો વચ્ચે કેનેડા સરકારે વિદેશી કામદારો માટેના દ્વાર થોડા સાંકડા કર્યા છે. જેના લીધે નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે, ભારતીયોએ હવે કેનેડા સિવાય બીજા દેશો તરફ પણ ધ્યાન આપવું જોઈએ, જેઓ સારી તકો આપતા હોય. આમ છતાં, જો કોઈ ભારતીય કેનેડા જવાનું વિચારી રહ્યું હોય તો તેણે હવે ઉચ્ચ કૌશલ્ય ધરાવતી નોકરીઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, કારણ કે સામાન્ય શ્રમબળ માટે ત્યાં સ્પર્ધા અને નિયમો બંને આકરા બન્યા છે.

 

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.