Last Updated on by Sampurna Samachar
કોરોનાના એકટિવ કેસ ૧ હજારને પાર
દિલ્હીમાં કોરોનાના સતત વધી રહ્યા છે કેસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોરોના વાયરસનો ફરી દેશમાં પ્રવેશ બાદ અનેક શહેરોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેના પર સ્વાસ્થ્ય મંત્રાલયથી લઈને રાજ્ય સરકારો નજર રાખી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર કોરોના (CORONA) થી સક્રિય કેસની સંખ્યા ૧૦૦૯ પહોંચી ગઈ છે. જેમાંથી ૭૫૨ કેસની પુષ્ટિ તાજેતરમાં થઈ છે.

છેલ્લા બે સપ્તાહમાં આ આંકડો ૨૫૭ જણાવવામાં આવ્યો હતો. આ સાથે ૭ મોતની પુષ્ટિ પણ સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કરવામાં આવી છે, જેમાં મહારાષ્ટ્રમાં ૪, કેરલમાં ૨ અને કર્ણાટકમાં ૧ના મોતની જાણકારી છે.
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીએ લોકોને સાવચેત રહેવા કરી અપીલ
કોવિડ-૧૯ના નવા કેસની વાત કરવામાં આવે તો આ સમયે સૌથી વધુ જે રાજ્યમાં કેસ છે તે કેરળ છે. કેરળમાં સૌથી વધુ ૪૩૦ સક્રિય કેસ નોંધાયેલા છે. મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસ ૨૦૯, દિલ્હીમાં ૧૦૪, ગુજરાતમાં ૮૩, તમિલનાડુમાં ૬૯, કર્ણાટકમાં ૬૯ કેસ છે. ઉત્તરપ્રદેશમાં ૧૫, રાજસ્થાનમાં ૧૩, પશ્ચિમ બંગાળમાં ૧૨, પોંડુચેરીમાં ૯, હરિયાણામાં ૯, આંધ્ર પ્રદેશમાં ૪, મધ્યપ્રદેશમાં ૨, છત્તીસગઢમાં ૧, ગોવા અને તેલંગણામાં એક-એક સક્રિય કેસ છે. ભારતમાં કુલ કેસની સંખ્યા ૧૦૦૯ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સત્તાવાર સૂત્રો પાસેથી તાજેતરમાં મળેલી જાણકારી પ્રમાણે હાલમાં રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC), ઇમરજન્સી મેડિકલ રિલીફ (EMR) વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને કેન્દ્રીય સરકારી હોસ્પિટલના નિષ્ણાંતોની એક સમીક્ષા બેઠક સ્વાસ્થ્ય સેવા ડિરેક્ટર જનરલ (DGHS) ની અધ્યક્ષતામાં આયોજીત થઈ હતી, જેમાં કોવિડ પર ચર્ચા થઈ હતી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. દિલ્હીમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ૧૦૪ થઈ ગઈ છે.
તાજેતરમાં દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીએ લોકોને ચિંતા ન કરવાની અપીલ કરી હતી. સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર પંકજ સિંહે કહ્યુ કે આપણી હોસ્પિટલ દરેક સ્થિતિ માટે તૈયાર છે. ઓક્સીજન સહિત તમામ વ્યવસ્થા તૈયાર છે.