Last Updated on by Sampurna Samachar
નવી માર્ગદર્શિકા CBSE ની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ
પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનએ ૨૦૨૬ માં ધોરણ ૧૦ ની બોર્ડ પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જારી કરી છે. આ માર્ગદર્શિકા આવતા વર્ષે બોર્ડની પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત રહેશે. આ વર્ષે, બોર્ડે વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન બંને વિષયો માટે પ્રશ્નપત્ર અને ઉત્તરપત્રની લેખન શૈલી સંપૂર્ણપણે બદલી નાખી છે. નવી માર્ગદર્શિકા CBSE ની સત્તાવાર વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે.

આ વર્ષથી, CBSE એ ધોરણ ૧૦ ના વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્રોને અલગ-અલગ વિભાગોમાં વિભાજીત કર્યા છે જેથી વિદ્યાર્થીઓના જવાબો વ્યવસ્થિત રીતે લખાય અને સમીક્ષા દરમિયાન મૂંઝવણ ટાળી શકાય. અગાઉ, વિદ્યાર્થીઓ આ વિષયો માટે સમાન ક્રમમાં જવાબો લખતા હતા, જેના કારણે ઘણીવાર મૂંઝવણભર્યા જવાબો મળતા હતા. હવે, બોર્ડે આ સમસ્યાને દૂર કરવા માટે કડક અને સ્પષ્ટ નિયમો લાગુ કર્યા છે.
CBSE એ વિદ્યાર્થીઓને ત્રણ મુખ્ય સૂચનાઓ જારી કરી
CBSE અનુસાર, વિજ્ઞાનના પ્રશ્નપત્રને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવશે. વિભાગ છ માં પહેલા બાયોલોજીના પ્રશ્નો હશે, ત્યારબાદ વિભાગ B માં કેમેસ્ટ્રીના અને અંતે વિભાગ C માં ભૌતિકશાસ્ત્ર. વિદ્યાર્થીઓએ તેમના જવાબો એક જ ક્રમમાં લખવાના રહેશે, ઉત્તરપત્રમાં ત્રણ અલગ અલગ વિભાગો બનાવશે. જો કોઈ વિદ્યાર્થી ભૂલથી જીવવિજ્ઞાન વિભાગમાં ભૌતિકશાસ્ત્રનો જવાબ લખી નાખે છે, તો તેમને તે પ્રશ્ન માટે કોઈ ગુણ મળશે નહીં.
તેવી જ રીતે, સામાજિક વિજ્ઞાન પ્રશ્નપત્ર ચાર વિભાગોમાં વહેંચાયેલું છે. વિભાગ A ઇતિહાસના પ્રશ્નો માટે, વિભાગ B ભૂગોળ માટે, વિભાગ C રાજનીતિ વિજ્ઞાન માટે અને વિભાગ D અર્થશાસ્ત્ર માટે હશે. વિદ્યાર્થીઓએ ઉત્તરપત્રમાં ચાર અલગ અલગ વિભાગો પણ બનાવવાના રહેશે અને ફક્ત વિષયને અનુરૂપ વિભાગમાં જ જવાબો લખવાના રહેશે.
CBSE એ વિદ્યાર્થીઓને ત્રણ મુખ્ય સૂચનાઓ જારી કરી છે. પહેલી સૂચના એ છે કે વિજ્ઞાનની ઉત્તરપત્રમાં ત્રણ વિભાગો અને સામાજિક વિજ્ઞાનની ઉત્તરપત્રમાં ચાર વિભાગો બનાવવાના રહેશે. બીજી સૂચના એ છે કે એક વિભાગના જવાબો બીજા વિભાગમાં લખી શકાતા નથી.
ત્રીજો અને સૌથી કડક નિર્દેશ એ છે કે જાે કોઈ વિદ્યાર્થી આવું કરે છે, તો તેના જવાબનું મૂલ્યાંકન કરવામાં આવશે નહીં. બોર્ડે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આવી ભૂલ થવા પર રી-ચેકિંગ અથવા રી-ઈવેલ્યૂશનમાં પણ સ્થિતિને ઠીક નહીં કરી શકાય. આનો અર્થ એ થયો કે ભૂલ થયા પછી ગુણ ગુમાવવાનું જોખમ વધારે છે.