Last Updated on by Sampurna Samachar
ટ્રમ્પે દાવો કર્યો કે ખામેનેઈ અને તેમની સાથેના અન્ય નેતાઓ બચી શક્યા નથી
ઈમરજન્સીની સ્થિતિમાં મદદ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયા, જરૂર પડે તો આ નંબરો પર તાત્કાલિક સંપર્ક કરી શકાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકા અને ઇઝરાયેલના ઈરાન પર હુમલા બાદ સમગ્ર મિડલ ઈસ્ટમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે, સતત હુમલા થઈ રહ્યા છે અને ઈરાને પણ જવાબી કાર્યવાહી કરીને મિડલ ઈસ્ટના અલગ-અલગ દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓ તેમજ ઇઝરાયેલના અનેક શહેરો પર હુમલા કર્યા છે. જે બાદ મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે અને અનેક દેશોએ હાઈ અલર્ટ જાહેર કરી દીધું છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને મિડલ ઈસ્ટના અનેક દેશોમાં ભારતીય દૂતાવાસોએ પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે.

સાઉદી અરબ, જાેર્ડન, બહેરીન, પેલેસ્ટાઈન, કતાર અને ઈરાનમાં રહેતા કે મુસાફરી કરી રહેલા ભારતીયોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. તેલ અવીવમાં આવેલા ભારતીય દૂતાવાસે પણ સતર્ક રહેવા જણાવ્યું છે. ભારતીય નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ઇઝરાયેલી વહીવટ તંત્ર અને હોમ ફ્રન્ટ કમાન્ડના નિર્દેશોનું પાલન કરે અને કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળે.
ઈરાનમાં આવેલા ભારતીય દૂતાવાસે ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો માટે નવી એડવાઈઝરી જાહેર કરી છે. દૂતાવાસે કહ્યું છે કે, વર્તમાન પરિસ્થિતિને જાેતાં તમામ ભારતીયોએ વધુમાં વધુ સાવચેતી રાખવી જાેઈએ. તેઓએ બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જાેઈએ અને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ઘરની અંદર જ રહેવું જાેઈએ. ભારતીય નાગરિકોને કહેવામાં આવ્યું છે કે, તેઓ સતત સમાચારો પર નજર રાખે, પરિસ્થિતિની માહિતી લેતા રહે અને દૂતાવાસની આગામી સૂચનાની રાહ જુએ.
કોઈપણ ઈમરજન્સીની સ્થિતિમાં મદદ માટે આ હેલ્પલાઈન નંબર પર તાત્કાલિક સંપર્ક કરી શકાય
+૯૮૯૧૨૮૧૦૯૧૧૫
+૯૮૯૧૨૮૧૦૯૧૦૯
+૯૮૯૧૨૮૧૦૯૧૦૨
+૯૮૯૯૩૨૧૭૯૩૫૯
અબુ ધાબીમાં આવેલા ભારતીય દૂતાવાસે UAEમાં રહેતા ભારતીયોને સતર્ક રહેવા અને ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. રિયાધમાં આવેલા ભારતીય દૂતાવાસે પણ સાઉદી અરબમાં રહેતા ભારતીયોને સ્થાનિક સુરક્ષા નિર્દેશોનું પાલન કરવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે. બહેરીન અને ફિલિસ્તીનના રામલ્લાહમાં આવેલા ભારતીય મિશનોએ પણ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવા અને ઈમરજન્સી હેલ્પલાઈન નંબરો પર સંપર્ક કરવાની અપીલ કરી છે.
તણાવ વચ્ચે ભારતીય વિમાન કંપનીઓએ પણ મહત્વનો ર્નિણયો દીધા છે. એર ઈન્ડિયાએ મિડલ ઈસ્ટની અનેક ફ્લાઈટ્સ રદ્દ કરી દીધી છે. દિલ્હીથી તેલ અવીવ જતી ફ્લાઈટને અધ વચ્ચેથી પાછી બોલાવી લેવામાં આવી છે. ઈન્ડિગોએ ઈરાની એરસ્પેસમાંથી પસાર થતી પોતાની આંતરરાષ્ટ્રીય ઉડાનોને અસ્થાયી રૂપે રોકી દીધી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસે પણ વેસ્ટબાઉન્ડ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરી દીધી છે.
મધ્ય પૂર્વમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને NORKAએ ઈરાન, ઇઝરાયેલ અને અન્ય પશ્ચિમ એશિયાઈ દેશોમાં રહેતા કેરળવાસીઓ માટે વિશેષ હેલ્પડેસ્ક શરૂ કર્યા છે. આ પગલું મુખ્યમંત્રી પિનારાઈ વિજયનના નિર્દેશ પર ઉઠાવવામાં આવ્યું છે. પ્રવાસીઓ જાહેર કરાયેલા હેલ્પલાઈન નંબરો પર સંપર્ક કરી શકે છે.હાલમાં સમગ્ર વિસ્તારમાં પરિસ્થિતિ નાજુક બની રહી છે. અનેક દેશોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. ભારતીય દૂતાવાસો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને નાગરિકોને સુરક્ષાને પ્રાથમિકતા આપવાની સલાહ આપી રહ્યા છે. કુલ મળીને, મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ભારતીય નાગરિકોને સતર્ક રહેવા, બિનજરૂરી મુસાફરીથી દૂર રહેવા અને દૂતાવાસના સંપર્કમાં રહેવાની અપીલ કરવામાં આવી છે.
જાે કોઈ પ્રવાસી કેરળવાસીને મદદની જરૂર હોય, તો તેઓ NORKAના ગ્લોબલ કોન્ટેક્ટ સેન્ટર પર સંપર્ક કરી શકે છે. આ માટે બે નંબર જારી કરવામાં આવ્યા છે-
+૯૧-૮૮૦૨૦૧૨૩૪૫ (આંતરરાષ્ટ્રીય મિસ્ડ કોલ)
૧૮૦૦૪૨૫૩૯૩૯ (ભારતમાંથી ટોલ-ફ્રી નંબર)