Last Updated on by Sampurna Samachar
આ મામલે આગામી સુનાવણી ૨૬ માર્ચે થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી રેલવે સ્ટેશનમાં નાસભાગનો મામલો હવે કોર્ટ સુધી પહોંચી ગયો છે. દિલ્હી હાઈકોર્ટે આ મામલે દાખલ અરજી પર સુનાવણી કરતાં આદેશ આપ્યો છે કે, તમે અરજીમાં રજૂ કરવામાં આવેલા મુદ્દાઓની તપાસ કરો.
ચીફ જસ્ટિસ ડી.કે. ઉપાધ્યાય અને જસ્ટિસ તુષાર રાવ ગેડેલાની બેન્ચે સંબંધિત અધિકારીઓ પાસેથી સોગંદનામુ લખાવી આ દુર્ઘટના મામલે લેવામાં આવેલા પગલાંઓની માહિતી આપવા કહ્યું છે. તેમજ રેલવે બોર્ડમાં ઉચ્ચ સ્તરે તપાસ હાથ ધરી લેવામાં આવેલા ર્નિણયોની વિગતો રજૂ કરવા આદેશ આપ્યો છે.
PIL ની સુનાવણી દરમિયાન કોર્ટે સવાલ કર્યો હતો કે, તે એક કોચમાં પેસેન્જર્સ માટે ઉપલબ્ધ સીટ કરતાં વધુ ટિકિટ કેમ વેચે છે. જો તમે એક કોચ માટે મુસાફરોની સંખ્યા નક્કી કરો છો, તો ટિકિટની સંખ્યા મર્યાદા કરતાં વધુ કેમ રાખો છે. આ એક મોટી સમસ્યા છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે, આ મામલાને હળવાશમાં લેવામાં આવશે નહીં. રેલવે કાયદાનું પાલન કરવા બંધાયેલું છે. PIL માં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને ઉચ્ચત્તમ સ્તરે વિચાર કરવામાં આવશે.
ફરિયાદીના વકીલે જણાવ્યું હતું કે, ઘટનાના દિવસે રેલવે ૯૬૦૦થી વધુ નોન-રિઝર્વ ટિકિટ વેચી હતી. જો અધિકારીએ કાયદાકીય જોગવાઈઓનું પાલન કર્યું હોત તો આ ઘટનાને રોકી શકાઈ હોત. જો રેલવે પોતાના નિયમો અને જોગવાઈઓનું પાલન કર્યું હોત તો, દુર્ઘટના ટળી હોત. આ PIL રાષ્ટ્રના હીતમાં છે. હું માળખાગત ઢાંચા અને નીતિગત મુદ્દાઓ પર ટીપ્પણીઓ કરી રહ્યો નથી.
કોર્ટે જણાવ્યું હતું કે, PIL હાલની નાસભાગની ઘટના સુધી સીમિત નથી. તેમાં એક ડબ્બામાં યાત્રીઓની મહત્તમ સંખ્યા અને પ્લેટફોર્મ ટિકિટના વેચાણો સંબંધિત કાયદાકીય જોગવાઈઓ લાગુ કરવાની માંગ કરી છે. જો કાયદાકીય જોગવાઈઓ પર્યાપ્ત રૂપે લાગૂ કરવામાં આવે તો નાસભાગ જેવી ઘટનાઓથી બચી શકાય. આ મામલે આગામી સુનાવણી ૨૬ માર્ચે થશે.