Last Updated on by Sampurna Samachar
ટેકઓફની ગણતરીની પળો બાદ RAT થયુ હતુ એક્ટિવ
અકસ્માતના કારણો સમજવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
૧૨ જૂનના રોજ અમદાવાદમાં થયેલા ભયાનક પ્લેન અકસ્માતે સમગ્ર દેશ દુનિયાને હચમચાવી દીધા છે. અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું બોઈંગ ૭૮૭-૮ ડ્રીમ લાઈનર વિમાન (ફ્લાઈટ AI -૧૭૧) ઉડાણ ભર્યાની માત્ર ૩૨ સેકન્ડમાં બીજે મેડિકલ કોલેજના કમ્પાઉન્ડમાં તૂટી પડ્યું હતું.
જ્યાં આ વિમાન અકસ્માતમાં સવાર ૨૪૨ લોકોમાંથી ૨૪૧ લોકોએ જીવ ગુમાવ્યા. જ્યારે ઘટનાસ્થળ પર હાજર ઓછામાં ઓછા ૩૦ લોકોના પણ મોત થયા. જીવ ગુમાવનારા લોકોમાં બીજે મેડિકલ કોલેજના ટ્રેઈની ડોક્ટર્સ પણ સામેલ હતા. આ દર્દનાક અકસ્માતમાં એકમાત્ર ૪૦ વર્ષના બ્રિટિશ નાગરિક વિશ્વાસકુમાર રમેશનો જ આબાદ બચાવ થઈ શક્યો.
૩૨ સેકન્ડની અંદર જ પ્લેન ક્રેશ થયું
ત્યારે હવે ઈન્વેસ્ટિગેશન ટીમને એક મોટો સુરાગ મળ્યો છે. ટીમે અકસ્માતના વીડિયો અને ઓડિયોથી જાણકારી મેળવી છે કે ટેકઓફની ગણતરીની પળો બાદ જ પ્લેનનું ‘RAM AIR TURBINE’ એટલે કે RAT એક્ટિવ થઈ ગયું હતું.
એવું કહેવાય છે કે આ અકસ્માતના કારણો સમજવામાં તે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. RAT એક પ્રકારનું નાનકડું પંખા જેવું સાધન હોય છે જે સામાન્ય રીતે જ્યારે વિમાનના બંને એન્જિન ફેઈલ થઈ જાય કે ઈલેક્ટ્રિક કે હાઈડ્રોલિક સિસ્ટમ સંપૂર્ણ રીતે ફેલ થઈ જાય ત્યારે બહાર નીકળે છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે ટેકઓફના માત્ર ૩૨ સેકન્ડની અંદર જ આ ફ્લાઈટ સાથે કઈક મોટી ગડબડી થઈ હોઈ શકે છે.
૧૨ જૂન ૨૦૨૫ના રોજ બપોરે ૧.૩૯ વાગે એર ઈન્ડિયાની ફ્લાઈટ AI -૧૭૧ એ અમદાવાદમાં સરકાર વલ્લભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાણ ભરી હતી. વિમાનમાં ૨૪૨ લોકો સવાર હતા. જેમાં ૨૩૦ મુસાફરો અને ૧૨ ક્રૂ મેમ્બર્સ હતા જેમાં ૨ પાઈલોટ સામેલ હતા. ૧૬૯ ભારતીયો, ૫૩ બ્રિટિશર્સ, ૭ પોર્ટુગીસ અને ૧ કેનેડિયન મુસાફરો હતા. ઉડાણ ભર્યાના ગણતરીની સેકન્ડ્સ બાદ પાઈલોટે ‘MAYDAY’ કોલ કર્યો હતો. ત્યારબાદ તરત જ વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ ૩૨ સેકન્ડની અંદર જ પ્લેન ક્રેશ થઈ ગયું. ફૂટેજ અને એક સ્થાનિક વિદ્યાર્થીઓ આયર્ન અસારી દ્વારા બનાવવામાં આવેલા વીડિયોથી જાણવા મળે છે કે વિમાન ઉડાણ ભર્યા બાદ જરૂરી ઊંચાઈ મેળવી શક્યું નહીં અને ઝડપથી નીચે આવવા લાગ્યું હતું.
વિમાન બીજે મેડિકલ કોલેજના એક હોસ્ટેલ ભવન સાથે અથડાયું ત્યારબાદ આગનો ગોળો બની ગયું. આ અકસ્માત બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનરનો પહેલો ઘાતક અકસ્માત હતો. બોઈંગ કંપનીના ડ્રીમલાઈનર વિમાન ૨૦૧૧ થી કોમર્શિયલ સર્વિસમાં છે.