Last Updated on by Sampurna Samachar
માત્ર ત્રણ દિવસ પછી જ તેને જિલ્લા બહાર રહેવાનો આદેશ
થ્રિલર ફિલ્મની જેમ થઈ ધરપકડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના કન્નૌજના બાલાપીર મોહલ્લામાં પોલીસે સમાજવાદી પાર્ટીના પૂર્વ ખજાનચી કૈશ ખાનને શોધી રહી હતી. પહેલાં પોલીસે તેના પોતાના ઘરમાં તપાસ કરી, પરંતુ તે ત્યાં ન મળ્યો. પછી પોલીસ તેના ભાઈના ઘરે ગઈ, જ્યાં અચાનક પોલીસની નજર એક રૂમના માળિયા પર પડેલા એક મોટા અને વિચિત્ર પડદા પર પડી, જેથી તેને શંકા ગઈ. સૌના શ્વાસ થંભી ગયા.
પોલીસે પડદો હટાવ્યો તો માત્ર એક ગાદલું પડ્યું હતું. જેવું પોલીસે ગાદલું ઊંચક્યું, કૈશ ખાન તેની પાછળ છુપાયેલો મળ્યો. તેને જોઈને બધા હસવા લાગ્યા, કે કોઈ કેવી રીતે ગાદલાની પાછળ છુપાઈ શકે છે. પોલીસે તેમની ધરપકડ કરી.
પોલીસ અધિકારી વિનોદ કુમારના જણાવ્યા મુજબ, કૈશ ખાન પર પહેલા પણ ઘણા કેસ નોંધાયેલા છે. જેમાં જિલ્લામાંથી બહાર રહેવાના આદેશ બાદ તે ૨૮ જુલાઈથી તે છુપાયેલો હતો. બાતમીદારની સૂચના અને પોલીસની સતર્કતાથી તે પકડાઈ ગયો. હવે તેની સામે ૩/૧૦ હેઠળ ગુંડા એક્ટમાં કેસ દાખલ કરવામાં આવી રહ્યો છે.
કૈશ ખાનનો વિવાદો સાથે જૂનો નાતો
કૈશ ખાનનો વિવાદો સાથે જૂનો નાતો છે. ૬ જાન્યુઆરીના રોજ, ગેરકાયદેસર બાંધકામને કારણે તેના મેરેજ હોલ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. રસપ્રદ વાત એ છે કે, અખિલેશ યાદવ તેને ૨૫ જુલાઈએ મળ્યા હતા અને તેના માત્ર ત્રણ દિવસ પછી જ તેને જિલ્લા બહાર રહેવાનો આદેશ આપવામાં આવ્યો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે અને લોકો ચર્ચા કરી રહ્યા છે કે કોઈ ગાદલાની પાછળ કેવી રીતે છુપાઈ શકે છે.