Last Updated on by Sampurna Samachar
અનેક સ્થળોએ આગચંપી, હિંસા અને લૂંટફાટના દ્રશ્યો
નેપાળમાં ભીડે ડેપ્યુટી PM ને દોડાવી-દોડાવીને માર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
નેપાળમાં થઈ રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો અને હિંસાની વચ્ચે, મંત્રીઓ પર હુમલાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. પ્રદર્શનકારીઓએ કાઠમંડુમાં નેપાળના ડેપ્યુટી PM અને નાણા મંત્રી બિષ્ણુ પ્રસાદ પૌડેલને દોડાવી-દોડાવીને માર્યો. નેપાળથી આવેલા એક વીડિયોમાં બિષ્ણુ પ્રસાદ પૌડેલ કાઠમંડુની એક ગલીમાં દેખાય છે, જ્યાં પ્રદર્શનકારીઓ તેમને ઘેરી વળે છે. તેઓ તેમને દોડાવવા લાગે છે અને એક પ્રદર્શનકારી લાત મારતા તેઓ નીચે પડી જાય છે.
ત્યારબાદ, પ્રદર્શનકારીઓ તેમને પકડીને લઈ જાય છે. બિષ્ણુ પ્રસાદ પૌડેલ નેપાળના એક મોટા રાજનેતા છે. તેઓ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળના ઉપાધ્યક્ષ છે. પૌડેલ તાજેતરમાં ત્રીજા દહલ મંત્રીમંડળમાં નાયબ વડાપ્રધાન અને નાણા મંત્રી રહ્યા હતા. આ પહેલા પણ તેઓ ઘણીવાર મહત્ત્વના મંત્રાલયોની જવાબદારી સંભાળી ચૂક્યા છે.
ઘણા મંત્રીઓના ઘરો પર હુમલો
તેઓ ૨૦૨૧માં નાયબ વડાપ્રધાન રહ્યા અને ગૃહ મંત્રાલય, ઉદ્યોગ મંત્રાલય, જળ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય પણ સંભાળી ચૂક્યા છે. નાણા મંત્રાલય તેમણે બે વખત (૨૦૨૦-૨૧ અને ૨૦૧૫-૧૬) સંભાળ્યું છે. જળ મંત્રાલયની જવાબદારી તેમણે ૧૯૯૪-૯૯, ૨૦૦૮-૦૯ અને ૨૦૨૧માં પણ સંભાળી હતી.
નેપાળથી મળતી જાણકારી અનુસાર નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ દેશના આર્મી ચીફ અશોક સિગ્ડેલ સાથે વાતચીત કર્યા બાદ રાજીનામું આપી દીધું છે. આર્મી ચીફ અશોક સિગ્ડેલે કે.પી. શર્મા ઓલીને વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવાનું કહ્યું હતું. આ પછી, ઓલીને પોતાનું પદ છોડવાની ફરજ પડી.
આ સમયે નેપાળમાં તણાવપૂર્ણ સ્થિતિ છે. વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીના રાજીનામા બાદ નેપાળી સેના હવે મંત્રીઓને તેમના નિવાસસ્થાને સુરક્ષા આપવામાં લાગી છે. સેના હેલિકોપ્ટર દ્વારા મંત્રીઓને સુરક્ષિત સ્થાનો પર લઈ જઈ રહી છે. પ્રદર્શનકારીઓએ દેશભરમાં અનેક સ્થળોએ આગચંપી, હિંસા અને લૂંટફાટ કરી છે. ઘણા મંત્રીઓના ઘરો પર હુમલો કર્યો છે અને વરિષ્ઠ અધિકારીઓને નિશાન બનાવ્યા છે. આ પછી સેનાએ પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાનું શરૂ કરી દીધું છે.