શરદ પવારની સાથે સતારાના બે ખેડૂતોએ PM મોદીને દાડમની ભેટ આપી
(સંપૂર્ણ સમાચાર સેવા )
NCP-SCP ના વડા શરદ પવાર સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ દરમિયાન શરદ પવારે PM મોદી સાથે ખેડૂતોના મુદ્દા પર ચર્ચા કરી. આ બેઠક બાદ પવારે કહ્યું કે, દાડમના ખેડૂતોને લઈને તેમણે PM મોદી સાથે વાત કરી છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, શરદ પવારની સાથે સતારાના બે ખેડૂતોએ વડાપ્રધાન મોદીને દાડમની ભેટ આપી છે.
મળતી માહિતી મુજબ, NCP-SCP ના વડા શરદ પવાર સતારા અને ફલટનના દાડમ ખેડૂતો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા અને તેમને દાડમ ભેટ આપ્યા. જ્યાં શરદ પવારે ભારપૂર્વક જણાવ્યું કે, બેઠકમાં કોઈ રાજકીય ચર્ચા થઈ નથી. તાજેતરમાં, શરદ પવારે વડા પ્રધાનને પત્ર લખીને ફેબ્રુઆરીમાં રાષ્ટ્રીય રાજધાનીના તાલકટોરા સ્ટેડિયમમાં આયોજિત ૯૮ મા મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કરવા આમંત્રણ આપ્યું હતું. વડાપ્રધાન સાથેની મુલાકાત બાદ પવારે કહ્યું કે, મેં સાહિત્ય સંમેલનના વિષય પર વાત કરી નથી. વડાપ્રધાન મોદી સાથે શરદ પવારની આ મુલાકાત એવા સમયે થઈ જ્યારે તાજેતરમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન બાયનબાજીમાં તણાવ જોવા મળ્યો હતો. આ ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.