Last Updated on by Sampurna Samachar
સ્થાનિકોની કોર્પોરેશનને રજૂઆત છતાં કોઇ પગલાં ન લેવાતા લોકો પરેશાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવસારીમાં તંત્રની બેદરકારીએ વૃદ્ધનો જીવ લીધો છે. નવસારીમાં પાંચ કરોડ રૂપિયાના ખર્ચે બનેલો અંડરપાસ ગોઝારો બન્યો છે. આ અંડરપાસમાં વૃદ્ધ ડૂબી ગયા છે. હાંસાપોર ગામ પાસેના અંડરપાસમાં ભરાયેલા પાણીમાં વૃદ્ધ ડૂબી ગયા હતા.
પહેલા તો વૃદ્ધના પરિવારજનોએ તે ક્યા ગયા તેની આસપાસ શોધખોળ કરી હતી. પણ પછી તેમને શંકા ગઈ હતી કે કદાચ તે અંડરપાસમાં પડી ગયા ન હોય. ફાયરબ્રિગેડને બોલાવીને અંડરપાસમાં ઉતારવામાં આવતા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના પગલે આખું કુટુંબ શોકગ્રસ્ત થઈ ગયું હતું.
કુટુંબીજનોએ વૃદ્ધના આ મોતને અકસ્માત નહીં પણ રીતસરની કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી હત્યા ગણાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે જો કોર્પોરેશને સમયસર પગલાં લઈને પાણી ખાલી કરાવ્યું હોત તો આ તકલીફ ન થઈ હોત. તેની સાથે કોર્પોરેશનને ખબર છે કે આ અંડરપાસ છે તો પાણીના નિકાલની કોઈ કાયમી વ્યવસ્થા તેણે હજી સુધી કરી નથી.
મોડી રાત્રે વૃદ્ધ લઘુશંકા માટે ગયા હતા અને આ દરમિયાન પગ લપસી જતાં તે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અવરજવર માટેનો અંડરપાસ પાણી ભરાતા સ્વિમિંગ પુલ બન્યો હતો. તેમા પાણી ભરાયુ ત્યારે જ સ્થાનિકોએ તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી કે આ પાણીની નિકાલની ઝડપથી વ્યવસ્થા કરો તો કોઈ ડૂબી ન જાય અને અંડરપાસ ઉપયોગમાં આવે. સ્થાનિકોની રજૂઆત છતાં તંત્રએ તેમના પર ધ્યાન આપ્યું નહતું. આ રજૂઆત તંત્રના બહેરા કાને અથડાઈને પાછી ફરી હતી.
આ અંડરપાસમાં છેલ્લા પાંચ વર્ષથી પાણી ભરાય છે. તેમા બારેય મહિના પાણી ભરાયેલા રહેતા હોવાથી લોકો પરેશાન થઈ ગયા છે, લોકોની આટલી હેરાનગતિ છતાં પણ તંત્રની આંખ ઉઘડતી નથી. આ રીતે બારેય મહિના પાણી ભરાયેલું રહેતું હોવાના લીધે આ પાણીમાં મચ્છરો ફેલાય છે અને આરોગ્યને લગતી તકલીફો પણ સર્જાય છે.