Last Updated on by Sampurna Samachar
એલન મસ્કની કંપની નાસા અને પેન્ટાગોન માટે કરે છે કામ
અમેરિકાની ડિફેન્સની મુખ્ય ઓફિસને પેન્ટાગોન કહેવાય
(સંપૂર્ણ સમાચાર સેવા)
નાસા અને પેન્ટાગોન હવે મુશ્કેલીમાં મુકાઈ ગયા હોવાનુ સામે આવી રહ્યુ છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના એલોન મસ્કના મતભેદ બાદ તેની અસર ઘણી બાબતો પર પડી રહી છે. એલોન મસ્કની કંપની સ્પેસએક્સ (SPACEX) નાસા અને પેન્ટાગોન બંન્ને માટે કામ કરે છે. જોકે હવે એલોન મસ્કે તેમને પોતાની સેવા આપવા માટે ના પાડી દીધી છે. આથી નાસા અને અમેરિકાની સિક્રેટ સર્વિસ માટે મુશ્કેલીની ઘડી છે, કારણ કે તેઓ બંન્ને સ્પેસએક્સનો ઉપયોગ કરે છે. નાસા અને પેન્ટાગોન બંન્ને માટે સ્પેસએક્સનો પર્યાય તરત જ શોધવો મુશ્કેલ છે.
મસ્ક દ્વારા તેની ડ્રેગન સ્પેસક્રાફ્ટ ફ્લાઇટ્સને અટકાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ફ્લાઇટનો ઉપયોગ અંતરિક્ષમાં આવેલા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અંતરિક્ષયાત્રીઓને લઈ જવા માટે થાય છે. નાસા આ માટે સ્પેસએક્સનો ઉપયોગ કરે છે. તેમના દરેક ઓપરેશન માટે સ્પેસએક્સ ખૂબ જ મહત્વનું છે. અમેરિકાની ડિફેન્સની મુખ્ય ઓફિસને પેન્ટાગોન તરીકે ઓળખવામાં આવે છે.
નાસા અને પેન્ટાગોન બન્ને મુશ્કેલીમાં આવ્યા
ડિફેન્સ માટેની તમામ એજન્સી અને સિક્રેટ મિશન માટે પેન્ટાગોન સ્પેસએક્સની મદદ લે છે. તેમજ પેન્ટાગોનને જરૂરી હોય તેવી તમામ સેટેલાઇટ્સ એલોન મસ્ક પૂરી પાડે છે. આથી મસ્કની ધમકી બાદ નાસા અને પેન્ટાગોન બન્ને મુશ્કેલીમાં આવ્યા છે, એટલે તેઓ હવે સ્પેસએક્સનો પર્યાય શોધી રહ્યાં છે.
નાસા અને પેન્ટાગોન દ્વારા રોકેટ લેબ, સ્ટોક સ્પેસ અને જેફ બેઝોસની બ્લુ ઓરિજિનનો સંપર્ક કરવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની કાર્ગો ડિલિવરી માટે સિયેરા સ્પેસ નામની એક કંપની છે જે “ડ્રીમ ચેઝર” સ્પેસપ્લેન બનાવી રહી છે. સિયેરા સ્પેસ દ્વારા પણ એ વાતની પુષ્ઠી કરવામાં આવી છે કે નાસાએ તેમની સાથે સંપર્ક કર્યો છે. જોકે, બોઇંગ બનાવતી કંપની “સ્ટારલાઇનર” ટેક્નિકલ ઈશ્યુને કારણે કાર્યક્ષમ નહીં રહી શકે. આથી, નાસા અને બ્લુ ઓરિજિન એક નહીં, પરંતુ દરેક કંપનીઓનો સંપર્ક કરી રહી છે.
અમેરિકાની સરકાર કેટલાક ગોપનીય મિશન માટે પણ સ્પેસએક્સનો ઉપયોગ કરે છે. આથી, અમેરિકાની સરકાર માટે પણ આ ખૂબ જ મોટી ચિંતાનો વિષય છે. સ્પેસએક્સ નાસા માટે લોકોના ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધીના પ્રવાસ માટે અને પેન્ટાગોન માટે સેટેલાઇટ્સ માટે કામ કરે છે. ઇન્ટેલિજન્સ એજન્સીઓને જરૂરી એવી સેટેલાઇટ્સ બનાવવી એ દરેક માટે સહેલું નથી.
અંતરિક્ષમાં પણ જેટલી ઝડપથી અને સરળતાથી સ્પેસએક્સ સેવા આપે છે, તેવી સેવા અન્ય કોઈ કંપની સમયસર નહીં આપી શકે. આથી, મસ્કની ધમકી છતાં, તેનો પર્યાય શોધવો નાસા અને પેન્ટાગોન બન્ને માટે ખૂબ જ મુશ્કેલ છે.