Last Updated on by Sampurna Samachar
બિહાર અંગે પણ રાહુલ ગાંધીના આરોપ
હરિયાણા ચૂંટણી હોલસેલ ચોરી હતી : રાહુલ ગાંધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચૂંટણી પંચ દ્વારા મત ચોરીના દાવાઓ ફગાવી દેવાયા હોવા છતાં, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ આ બાબતે તપાસ ચાલુ જ રાખશે. તેમણે જણાવ્યું કે, અમારી પ્રક્રિયા અટકી નથી અને અમારી પાસે ઘણી બધી બાબતો છે. જે સાબિત કરશે કે ચૂંટણી પંચ કેવી રીતે ગેરરીતિઓ આચરી રહ્યું છે. આ દરમિયાન, તેમણે જનરેશન ઝેડને જાગૃત કરવાની વાત કરતાં કહ્યું કે, અમે દેશના યુવાનોને જણાવીશું કે PM નરેન્દ્ર મોદી ચૂંટણીમાં ચોરી કરીને કેવી રીતે વડાપ્રધાન બન્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, સીધી વાત એ છે કે હરિયાણાની ચૂંટણી, જેને મેં પ્રેઝન્ટેશનમાં બતાવી, તે ચૂંટણી નહોતી, પણ હોલસેલ ચોરી હતી. મારા આરોપો પર ચૂંટણી પંચ કે ભાજપ તરફથી કોઈ જવાબ આવ્યો નથી, પરંતુ મારા નિવેદનને નકારવામાં પણ આવ્યા નથી.
એક બૂથ પર ૨૦૦ કાર્ડ્સમાં એક જ મહિલાની તસવીર જોવા મળી
કોંગ્રેસ નેતાએ આકરો આક્ષેપ કરતાં કહ્યું કે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ઇલેક્શન કમિશન મળીને બંધારણ પર આક્રમણ કરી રહ્યા છે. બંધારણનો સિદ્ધાંત વન મેન, વન વોટ હરિયાણામાં લાગુ પડ્યો નથી, કારણ કે ત્યાં બ્રાઝિલની મહિલાના નામે વોટર આઈડી બન્યા અને એક બૂથ પર ૨૦૦ કાર્ડ્સમાં એક જ મહિલાની તસવીર જોવા મળી.
બિહારમાં મતદાનની ટકાવારી વધવા અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, અમારી પાસે ઘણી બધી વસ્તુઓ છે. અમારી પ્રક્રિયા ચાલતી રહેશે. અમે GenZ ને બતાવતા રહીશું કે નરેન્દ્ર મોદી ચૂંટણીમાં ચોરી કરીને ઁસ્ બન્યા છે.
તેમણે આ અંગે વધુમાં કહ્યું કે, આખરે હરિયાણામાં કેવી રીતે કોઈ વોટર આઈડી પર બ્રાઝિલની મહિલાનો ફોટો આવી શકે? જે મહિલાનું નામ હતું અને જેણે મત આપ્યો હતો, તેને આગળ કરી દેવામાં આવી. પરંતુ એ જવાબ ન મળ્યો કે આખરે બ્રાઝિલની મહિલાની તસવીર તેમાં કેવી રીતે છે. રાહુલ ગાંધીએ સાથે સાથે એવો આક્ષેપ પણ લગાવ્યો કે બિહારમાં પણ આવું જ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા અને ગુજરાતમાં પણ આવું થયું હતું.