Last Updated on by Sampurna Samachar
મહિલાએ તાબે થવાનો ઇનકાર કરતા નરાધમે માર માર્યો
આરોપી સામે એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી એક અત્યંત ગંભીર અને શરમનાક ઘટના સામે આવી છે. વાત જાણો એમ છે કે રાત્રિના અંધકારનો લાભ લઈ એક નરાધમે 50 વર્ષીય પરિણીતાના ઘરમાં ઘૂસી તેની લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો.

એટલું જ નહીં, મહિલાએ તાબે થવાનો ઇનકાર કરતા નરાધમે તેને બેરહેમીથી માર મારી અર્ધબેભાન કરી દીધી હતી. જોકે, ઘટનાની ગંભીરતા સમજી જસદણ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લીધો છે.
આરોપીને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો
પ્રાપ્ત માહિતી અનુસાર, જસદણ પંથકમાં રહેતી એક ૫૦ વર્ષીય મહિલા પોતાના ઘરે હતી. આ દરમિયાન આ જ વિસ્તારમાં રહેતો લાલા અજા ઉર્ફે અરજણ સાકરીયા નામનો શખ્સ બદદાનત સાથે મહિલાના ઘરની દીવાલ કૂદીને અંદર પ્રવેશ્યો હતો. ઘરમાં ઘૂસ્યા બાદ આરોપીએ મહિલા સમક્ષ શારીરિક સંબંધ બાંધવાની ર્નિલજ્જ માંગણી કરી હતી.
મહિલાએ આ અઘટિત માંગણીનો મક્કમપણે વિરોધ કર્યો અને બૂમાબૂમ કરવાનો પ્રયાસ કર્યો હતો. આથી ઉશ્કેરાયેલા આરોપી અરજણ સાકરીયાએ મહિલા પર હુમલો કર્યો હતો. નરાધમે મહિલાને લાતો અને મુક્કાઓ વડે ઢોર માર માર્યો હતો. સતત થતા પ્રહાર અને શારીરિક હુમલાને કારણે મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને છેવટે અર્ધબેભાન અવસ્થામાં ઢળી પડી હતી.
ઘટના બાદ ભોગ બનનાર મહિલાએ હિંમત દાખવી જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપી લાલા અજા ઉર્ફે અરજણ સાકરીયા વિરુદ્ધ કડક કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જસદણ પોલીસની ટીમે અલગ-અલગ દિશામાં તપાસ ચલાવી આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.