Last Updated on by Sampurna Samachar
પ્રશાંત કિશોરે ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર
શિવહર, ભાગલપુર, નરપતગંજ અને ઇસ્લામપુર બેઠકોનો સમાવેશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પ્રશાંત કિશોરની જન સૂરાજ પાર્ટીએ ૨૦૨૫ ની બિહાર વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જન સૂરાજના ૬૫ વધુ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. પાર્ટીએ તેમની બીજી સત્તાવાર ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં શિવહર, ભાગલપુર, નરપતગંજ અને ઇસ્લામપુર જેવી મુખ્ય બેઠકોનો સમાવેશ થાય છે.
સિવાના જાણીતા ડૉક્ટર શાહનવાઝ આલમને જનસુરાજે બડહડીયા વિધાનસભાથી ઉમેદવાર બનાવ્યા છે. આ સિવાય ભાગલપુર વિધાનસભા મતવિસ્તારથી અભયકાંત ઝા, શિવહરથી નીરજ સિંહ, નરકટિયાથી લાલાબાબુ યાદવ, કલ્યાણપુરથી મંતોષ સાહની, સંદેશથી રાજીવ રંજન સિંહ, બાજપટ્ટીથી આઝમ અનવર હુસૈન, હરલાખીથી રત્નેશ્વર ઠાકુર, નરપતગંજથી જનાર્દન યાદવ અને ઇસ્લામપુરથી તનુજા કુમારીને ટિકિટ આપવામાં આવી છે.
રાજ્યના રાજકીય ભવિષ્યનો ફેંસલો હવે થશે
વિધાનસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (રાજગ) અને વિપક્ષી ‘ઈન્ડિયા‘ ગઠબંધન બેઠકોની વહેંચણીને અંતિમ સ્વરુપ આપવામાં લાગ્યા છે ત્યારે જન સૂરજ પાર્ટીએ પોતાની લીડ બનાવી રાખી છે. જન સૂરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે શનિવારે રાષ્ટ્રીય જનતા દળ (ઇત્નડ્ઢ) ના નેતા તેજસ્વી યાદવના ગૃહ મતવિસ્તાર રાઘોપુરથી પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો.
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ દિલીપ જયસ્વાલ, નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને મંત્રી મંગલ પાંડે હાલમાં દિલ્હીમાં છે, જ્યાં તેઓ ટોચના નેતાઓ અને સાથી પક્ષો સાથે વારંવાર બેઠકો કરી રહ્યા છે.
જયસ્વાલે દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે, “સીટ વહેંચણી અંગે સોશિયલ મીડિયા પર કાલ્પનિક આંકડાઓ ફેલાવવામાં આવી રહ્યા છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. અમારા સાથી ઉપેન્દ્ર કુશવાહાએ ટ્વિટ કરીને પોતાનો અફસોસ વ્યક્ત કર્યો છે. હું સ્પષ્ટ કરું છું કે ચર્ચાઓ હજુ પણ ચાલુ છે અને આવતીકાલ સુધીમાં જાહેરાત થવાની સંભાવના છે.”
રાજ્યસભાના સભ્ય અને રાષ્ટ્રીય લોક મોરચાના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ મીડિયા અહેવાલો પર પ્રતિક્રિયા આપી હતી કે તેમની પાર્ટીને ૨૪૩ સભ્યોની વિધાનસભામાં સિંગલ ડિજિટ બેઠકો એટલે કે ૧૦ થી ઓછી બેઠકો આપવામાં આવી શકે છે.
પ્રથમ તબક્કાનું મતદાન ૬ નવેમ્બરે ૧૨૧ બેઠકો માટે અને બીજા તબક્કાનું મતદાન ૧૧ નવેમ્બરે ૧૨૨ બેઠકો માટે થશે. રાજ્યના રાજકીય ભવિષ્યનો ફેંસલો ૧૪ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ મત ગણતરી બાદ જાહેર કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ છે અને રાજકીય પક્ષોમાં ચૂંટણી પ્રચારની ગતિવિધિઓ તેજ બની છે.