સીટી બસ ફરી શરુ થતા શહેરીજનોમાં ખુશીની લાગણી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નડિયાદ નગરમાં છેલ્લા કેટલાય સમયથી બંધ પડેલી સિટી બસ સેવાનો પુનઃ પ્રારંભ થયો છે. ધારાસભ્ય પંકજભાઇ દેસાઇએ આ બસોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યુ હતુ. ઘણા લાંબા વર્ષોથી નગરમાં સીટી બસ સેવાઓ પર બ્રેક વાગી હતી. તે પુનઃ શરૂ થતા નગરજનોમાં ખુશીની લાગણી વ્યાપી ગઇ છે. હાલમાં પ્રાથમિક તબક્કે ૫ સીટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ બસોના રૂટમાં પણ વધારો કરાશે.
નડિયાદના માર્ગો પર ફરી એક વાર સીટી બસો દોડતી જોઈ શકાશે. આ સીટી બસ સેવાનો પ્રારંભ કરાયો છે. જેમાં પ્રાથમિક ધોરણે ૫ સીટી બસોને લીલીઝંડી આપવામાં આવી છે. મુખ્યમંત્રી બસ પરિવહન યોજના અંતર્ગત નડિયાદ શહેરમાં ૫ વર્ષ માટે ખાનગીની એજન્સીને સીટી બસ સેવા ચલાવવા અને નિભવણી કરવા કોન્ટ્રાક્ટ અપાયો છે. શહેરમાં કોરોના પહેલા ખાનગી સીટી બસો ચાલતી હતી. પરંતુ એકાએક બંધ થઈ ગઈ હતી. જોકે, બાદમાં નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ રાજ્ય અને કેન્દ્ર સરકારમાં પ્રયાસો કર્યા હતા. જેમાં એજન્સી ટેન્ડર ભરતા પ્રાથમિક ધોરણે ૫ સીટી બસોને નડિયાદના ઝલક રીંગ રોડ પરથી લીલી ઝંડી આપવામાં આવી હતી. સુશાસન દિન નિમિત્તે અને અટલજીની જન્મજયંતી નિમિત્તે આ ૫ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં અવી હતી. આ પ્રસંગે નડિયાદ નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ, નગરપાલિકા કારોબારી ચેરમેન પરીન બ્રહ્મભટ્ટ, ચીફ ઓફિસર રૂદ્રેશ હુદડ, પ્રાંત અધિકારી સહિત નગરના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
આ સીટી બસોમાં દરેક બસોમાં ૩૧ સીટી સીટો છે, દરેક બસના એન્ટ્રસ અને બહાર નીકળવાના દરવાજા પાસે સીસીટીવી કેમેરા, ડ્રાઇવર સીટ પાસે ફાયર એલાર્મ, ફાયર સેફ્ટી છે. જેથી મુસાફરોની સુરક્ષા અને તકેદારીની તમામ પાસાઓ આવરી લેવામાં આવ્યા છે. પહેલા ફેઝમાં ૮ બસો પૈકી ૫ બસો ચાલુ કરવામાં આવી છે, ત્યારબાદ તબક્કાવાર અન્ય ૯ રુટ ઉપર એમ મળીને કુલ ૧૪ રોડ ઉપર સિટી બસ દોડશે. આ ઉપરાંત ટીકીટનો દરની જો વાત કરીએ તો, ૫થી ૧૫ રુપિયા સુધીનો રહેશે.
નડિયાદ શહેરમાં જે સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. તેમાં શરૂઆતના તબકકે રેલવે સ્ટેશન પિકઅપ પોઇન્ટ રહેશે. જયાંથી વલેટવા ચોકડી સુધી, રેલવે સ્ટેશનથી પીજ ગામ સુધી, રેલવે સ્ટેશનથી નરસંડા સુધી, રેલવે સ્ટેશનથી ભુમેલ ચોકડી સુધી, રેલવે સ્ટેશનથી સરદાર ભવનથી મિલ રોડથી કમળા ચોકડીથી મંજીપુરાથી જવાહરનગરથી કપડવંજ રોડ ગણપતિ ચોકડી સુધી આ બસ દોડશે તેમજ તબકકાવાર તેમાં વધારો પણ કરવામાં આવશે.