Last Updated on by Sampurna Samachar
પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી
બાઉન્સરોએ પીડિતો સાથે અભદ્ર વર્તન કર્યું હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
કાનપુરના પોશ વિસ્તાર VIP રોડ પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેની માહિતી એવી છે કે તમાકુના મોટા વેપારી કે.કે. મિશ્રાના પુત્ર શિવમ કુમાર મિશ્રાએ લક્ઝયુરિયસ લેમ્બોર્ગિની કારને પૂરઝડપે હંકારી રસ્તા પર ખૂની તાંડવ મચાવ્યો હતો. આ દરમિયાન તેણે ૬ જેટલા રાહદારીઓને અડફેટે લીધા હતા. આ ઘટનાને પગલે સ્થાનિકોના ટોળે-ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. જે અંગેની જાણ થતાં જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

મળતી માહિતી અનુસાર આ નબીરાએ એક બુલેટ ચાલકને પણ ભયાનક ટક્કર મારી હતી. જેમાં બાઇક ચાલક હવામાં ઉછળીને ૧૦ ફૂટ દૂર પડ્યો હતો. જે બાદ લેમ્બોર્ગિનીને બુલેટની ઉપર જ ચઢાવી દીધી હતી. આ અકસ્માત બાદ લોકો લાલઘૂમ થઈ ગયા હતા અને નબીરાને ઘેરી લીધો હતો. જોકે, તેના બાઉન્સરોએ આ ઘટના પર લોકોની માફી માંગવાને બદલે લોકોને ધક્કા મારીને ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં બાઉન્સરોએ પીડિતો સાથે અભદ્ર વર્તન કર્યું હતું.
અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા થઈ નથી
આ દરમિયાન પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને કારને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જે બાદ ઈજાગ્રસ્તોના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં પણ જોરદાર હોબાળો કર્યો હતો. વેપારીના દીકરા અને અન્ય ઈજાગ્રસ્તોની પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર શરૂ કરાઇ હતી. આ કાર સ્વરૂપ નગરના રહેવાસી કે.કે મિશ્રાના નામે નોંધાયેલી છે. ઈજાગ્રસ્તોએ ગ્વાલટોલી પોલીસ સ્ટેશનમાં કાર માલિક અને કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પહેલા ટક્કર મારી પછી બુલેટને કચડી નાખી – આ ઘટના અંગે પીડિત સોનુ ત્રિપાઠીએ જણાવ્યું કે, મારા મામાનો દીકરો વિશાલ અને હું બુલેટ પર આવ્યા હતા. પછી અમે રસ્તાના કિનારે એક દુકાન પાસે ઊભા રહ્યા હતા. આ દરમિયાન વિશાલ તો બુલેટ પર જ બેઠો હતો. અહીં દુકાન પર અમે ટી-શર્ટ જોતા હતા. ત્યારે લેમ્બોર્ગિની કારે પહેલા એક ઓટોને ટક્કર મારી. પછી અમારી બુલેટને કચડી નાખી. કારની ટક્કરથી વિશાલ પણ દૂર જઈને પડી ગયો. બીજા બે છોકરાઓ પણ હતા, તેમને પણ જોરદાર ટક્કર મારી હતી. તેઓ રસ્તા પર ૧૦ ફૂટ ઊંચા ઉછળીને દૂર ફૂટપાથ પર જઈ પડ્યા. બંનેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
આ અકસ્માતમાં એક યુવાનના ચહેરા પર ઈજા થઈ છે. તેના મોંઢાથી લોહી નીકળી રહ્યું હતું. તેને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. કોઈને ગંભીર ઈજા થઈ નથી – સેન્ટ્રલ DCP અતુલ શ્રીવાસ્તવે જણાવ્યું કે, અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા થઈ નથી. અકસ્માતમાં સંડોવાયેલી કારને ગ્વાલતાલી પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરવામાં આવી છે. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.