Last Updated on by Sampurna Samachar
ભારતીય કોચ ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સમાં વાતચીત
કેટલાક સવાલો પર તે ગુસ્સે પણ થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા ICC ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની ફાઇનલમાં પ્રવેશી છે. તેણે ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલ મેચમાં ૪ વિકેટથી જીત મેળવી હતી. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં વિરાટ કોહલીએ ૮૪ રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. આ શાનદાર જીત બાદ ભારતીય કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમાં તેણે ટીમ સિલેક્શન અને બેટિંગ ઓર્ડર અંગે જવાબ આપ્યો હતો. તેમજ કેટલાક સવાલો પર તે ગુસ્સે પણ થયો હતો. પ્રેસ કોન્ફરન્સમાં ગંભીર કોહલી અને કેએલ રાહુલને સંપૂર્ણ સમર્થન આપતો જોવા મળ્યો હતો.
ટીમ સિલેક્શનના સવાલ પર ગંભીરે કહ્યું, મને કોઈ પરવા નથી. મારું કામ ૧૪૦ કરોડ ભારતીયો, ખેલાડીઓ અને ડ્રેસિંગ રૂમ પ્રત્યે વફાદાર રહેવાનું છે. લોકો શું વાત કરે છે, તે શું કહે છે તેની મને કોઈ પરવા નથી. તેમનો એજન્ડા શું છે ? અંતે, મારા માટે એક જ બાબત મહત્વની છે કે હું મારા કામ પ્રત્યે કેટલો વફાદાર છું. કારણ કે તેનાથી હું શાંતિથી જીવી શકું છું.
કેએલ રાહુલ અને કોહલીને સમર્થન
સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલને પાંચમા નંબર પર બેટિંગ માટે મોકલવા મુદ્દે સવાલ કરવામાં આવ્યો હતો કે, અક્ષર કરતાં પણ સારા બેટર કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યા છે. તો અક્ષરને શા માટે તેમની પહેલાં પીચ પર મોકલવામાં આવે છે? જેનો જવાબ આપતાં ગંભીરે અક્ષરનું સમર્થન કર્યું હતું કે, મેં અગાઉ પણ કહ્યું હતું કે લોકો શું કહે છે તેની મને પરવા નથી.
હું માનું છું કે તે શ્રેષ્ઠ ખેલાડી છે અને તે ખાસ વાત છે. અક્ષર પાસે શું ગુણવત્તા અને ક્ષમતા છે. તેના વિશે અમે જાણીએ છીએ. અમે તેને પાંચમા નંબર પર તક આપતા રહીશું જેથી તે સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખે. ખાસ વાત એ છે કે તેણે પોતાની ક્ષમતા પણ બતાવી છે. તેણે ૫માં નંબર પર બેટિંગ કરતા મહત્વની ઇનિંગ્સ રમી છે.
કોહલીએ સેમિફાઇનલમાં મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. તેણે ૯૮ બોલમાં ૮૪ રન બનાવ્યા હતા. પરંતુ એક પત્રકારે પૂછ્યું કે શું કોહલી લેગ સ્પિન સામે નબળુ પર્ફોર્મન્સ આપે છે? આના પર ગંભીર ગુસ્સે થયો હતો અને ગુસ્સામાં કહ્યું, જ્યારે તમે ૩૦૦ મેચ રમો છો, ત્યારે તમે કેટલાક સ્પિનરની સામે આઉટ થઈ જાઓ છો. તે સાહજિક છે. યાદ રાખો, કોહલીએ આ ટૂર્નામેન્ટમાં સદી ફટકારી છે. આ મેચમાં તેણે ૮૦ રન બનાવ્યા છે. જ્યારે તમે મેચમાં રન બનાવો છો, ત્યારે તમે આખરે કોઈક બોલર અથવા બીજા બોલર દ્વારા આઉટ થાવ છો. તેથી, તેનું લેગ સ્પિન સામે આઉટ થવુ સાહજિક છે.
અક્ષર પટેલ બાદ કેએલ રાહુલને છઠ્ઠા નંબર પર મોકલવાના સવાલનો જવાબ આપતાં ગંભીરે કહ્યું કે, તમે જાણો છો કે ક્રિકેટ અને ટીમ ગેમમાં નંબર (ખેલાડીની સ્થિતિ)થી કોઈ ફરક પડતો નથી. બેટિંગ પોઝિશનથી કોઈ ફરક પડતો નથી. શું મહત્વનું છે તે અસર કરે છે. તમારે ફક્ત તમારા પ્લેઈંગ-૧૧માં પસંદગી વિશે વિચારવું જાેઈએ. તેમજ ટીમ માટે જે પણ કરવું હોય તે ખુશીથી કરવું જાેઈએ.
કેએલએ પણ આવું જ કર્યું છે. તે ખુશીથી રમ્યો છે. તેણે છઠ્ઠા નંબર પર પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. લોકો આ અંગે વાતો કરે છે, પણ મને કોઈ ફરક પડતો નથી. અમે બેટિંગ ઓર્ડર વિશે વાત કરવાના નથી. તેના બદલે, અમે ટીમ માટે જરૂરી પ્રદર્શન કેવી રીતે આપી શકીએ તે વિશે વાત કરીશું અને અમલ ચાલુ રાખીશું.