Last Updated on by Sampurna Samachar
ત્રાસ આપનારા સાસરિયાં સામે પરિણીતાની પોલીસ ફરિયાદ
પીડિતાએ પ્લોટ પચાવી પાડવા માટે શારીરિક-માનસિક ત્રાસ ગુજારવા ઉપરાંત, નમાજ પઢતી વખતે પણ નણંદ દ્વારા અપમાનિત કરવામાં આવતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતા એક સુખી સંપન્ન મુસ્લિમ પરિવારની ૨૯ વર્ષીય મુસ્લિમ યુવતીએ પોતાના સાસરિયાઓ સામે ગંભીર આક્ષેપો સાથે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ પ્લોટ પચાવી પાડવા માટે શારીરિક-માનસિક ત્રાસ ગુજારવા ઉપરાંત, નમાજ પઢતી વખતે પણ નણંદ દ્વારા અપમાનિત કરવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો છે.

મળતી માહિતી અનુસાર, વર્ષ ૨૦૨૩માં જામનગર ખાતે લગ્ન કરનાર આ પીડિત યુવતીના પિતા પાસે તેની સાસુએ પ્લોટની માંગણી કરી હતી. દીકરીના સુખ માટે પિતાએ પ્લોટ અપાવ્યો હતો. જો કે, સાસુએ “આ બધું તારું જ છે” તેમ કહી વિશ્વાસમાં લઈ આ પ્લોટ ચલાકીથી પોતાના દીકરા (યુવતીના પતિ)ના નામે કરાવી દીધો હતો. જ્યારે યુવતીના પિતાએ આ અંગે પૃચ્છા કરી, ત્યારે સાસુએ “પત્નીની મિલકત એ પતિની જ ગણાય” તેવો ઉડાઉ જવાબ આપી મિલકત પચાવી પાડી હતી.
ભાગી જવાની ધમકી આપી ડરાવવાનો પ્રયાસ કર્યો
યુવતીએ ફરિયાદમાં સાસરિયાઓના અત્યાચારની ભયાનક ગાથા વર્ણવી છે, યુવતી જ્યારે નમાજ પઢવા બેસતી ત્યારે તેની નણંદ તેને લાત મારીને ઊભી કરી દેતી અને બળજબરીથી ઘરકામ કરાવતી હતી. જ્યારે પતિ દારૂ પીને મારઝૂડ કરતો હતો અને પત્નીની હાજરીમાં જ અન્ય સ્ત્રીઓ સાથેના પોતાના સંબંધોની વાતો કરતો હતો. સાસુને પણ અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધો હોવાનો અને પતિ તે પુરુષને પિતા સમાન ગણતો હોવાનો આક્ષેપ યુવતીએ કર્યો છે.
જ્યારે દીકરીના જન્મ બાદ સાસરિયાઓએ ત્રાસ વધાર્યો ત્યારે પીડિત યુવતીને ખબર પડી કે આ તેના પતિના બીજા લગ્ન હતા.
અત્યાચારની હદ ત્યારે વટાવી જ્યારે સાસરિયાઓએ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂમમાં પૂરી દીધી હતી.અંતે તેને અડધી રાત્રે ઘરમાંથી હાંકી કાઢવામાં આવી હતી. યુવતીએ જ્યારે કાયદેસરની કાર્યવાહીની વાત કરી, ત્યારે પતિએ વિદેશ ભાગી જવાની ધમકી આપી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો.
હાલમાં પિયર પરત ફરેલી યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ન્યાયની ગુહાર લગાવી હતી અને ત્યાંથી વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ટ્રાન્શફર કરાઈ છે. પોલીસે યુવતીના પતિ, સાસુ અને નણંદ સહિત કુલ ચાર શખસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.