Last Updated on by Sampurna Samachar
નાણાં મંત્રાલયના અધિકારીના મોત પર પુત્રનો સવાલ
અકસ્માતમાં અધિકારીના પત્ની પર થયા ગંભીર ઘાયલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત સરકારના આર્થિક બાબતોના વિભાગના ઉપસચિવ નવજોત સિંહનું દિલ્હીના ધૌલા કુઆન વિસ્તારમાં રિંગ રોડ પર રોડ અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હતું. નવજોત સિંહ તેમની પત્ની સાથે બંગલા સાહિબ ગુરુદ્વારાથી હરિ નગર સ્થિત તેમના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે કારે તેમની બાઈકને ટક્કર મારી હતી, જેમાં તે અને તેમની પત્ની બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. હવે નવજોત સિંહના મોત પર તેમના દીકરાએ સવાલ ઉઠાવ્યા છે.
નવજોત સિંહના પુત્ર નવનૂર સિંહનો આરોપ છે કે, અકસ્માત પછી મારા પિતાને મોટી સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ કે AIIMS જેવી સંસ્થામાં લઈ જવાને બદલે ૨૨ કિમી દૂર એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ નહોતી. મારા માતાપિતાને એમ્બ્યુલન્સને બદલે ડિલિવરી વાનમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. યોગ્ય સારવારના અભાવે મારા પિતાનું મૃત્યુ થયું છે.
આરોપી મહિલા અને તેનો પતિ હજુ પણ દાખલ
નવનૂરે જણાવ્યું કે, મારા માતા-પિતા બંગલા સાહિબ ગુરુદ્વારાથી પરત ફરી રહ્યા હતા અને કર્ણાટક ભવનમાં જમવા માટે રોકાયા હતા. જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે તેઓ ધૌલા કુઆન થઈને હરિ નગર જઈ રહ્યા હતા. તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવાને બદલે અકસ્માત સ્થળથી લગભગ ૨૨ કિમી દૂર આવેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
તેમણે દાવો કર્યો કે, મારી માતા ગંભીર હાલતમાં હોવા છતાં તેમને હોસ્પિટલની લોબીમાં બેસાડવામાં આવ્યા હતા, તે પીડાથી ચીસો પાડી રહી હતી જ્યારે કાર ડ્રાઈવરના પતિ, જેને સામાન્ય ઈજાઓ થઈ હતી, તેને તાત્કાલિક દાખલ કરવામાં આવ્યો. બેદરકારી અને વિલંબને કારણે મારા પિતાનું મૃત્યુ થયું છે. બાદમાં પરિવારે માતાને વધુ સારી સારવાર માટે વેંકટેશ્વર હોસ્પિટલમાં દાખલ કરી.
દિલ્હી પોલીસે જણાવ્યું કે, કલમ ૨૮૧/૧૨૫/૧૦૫/૨૩૮ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ દરમિયાન FSL ટીમ અને ક્રાઈમ ટીમે અકસ્માત સ્થળનું નિરીક્ષણ કર્યું છે. અકસ્માતમાં સામેલ બંને વાહનો BMW અને મોટરસાઈકલની પણ તપાસ કરવામાં આવી રહી છે. આરોપી મહિલા અને તેનો પતિ હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે.