Last Updated on by Sampurna Samachar
૦૩ લાખનું પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યું
દેશની ૭૨૦ શાળાઓમાં પ્રથમ સ્થાન મળ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગાંધીનગર જિલ્લાની જીવરાજના મુવાડા ગામની સરકારી પ્રાથમિક શાળાએ રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણના જતનની સાથે શિક્ષણ ક્ષેત્રે માત્ર જિલ્લાનું જ નહિ પણ સમગ્ર રાજ્યનું ગૌરવ વધાર્યું છે.

ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા રાષ્ટ્રીય સ્તરે મુંબઈ ખાતે આયોજિત ‘ગ્રીન યોર સ્કૂલ પોગ્રામ’ હેઠળ ગાંધીનગરની જીવરાજના મુવાડા પ્રાથમિક શાળાને રાષ્ટ્રીય કક્ષાનો ‘ગ્રીન સ્કૂલ એવોર્ડ-૨૦૨૫’ અપાયો છે. અંદાજે ૧,૨૦૦થી વધુ વૃક્ષ ધરાવતી આ શાળાને રાષ્ટ્રીય સ્તરે ગ્રીન સ્કૂલ અંગેના ૧૧ નવા વિચારો અને પ્રોજેક્ટના અમલીકરણ માટે રૂ. ૦૩ લાખનું પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યું છે.
ગુજરાત , અરુણાચલપ્રદેશ અને પાંડેચરી રાજ્યોની સ્કૂલ પસંદગી
કેન્દ્ર સરકારના ન્યુ એન્ડ રીન્યુબલ એનર્જી, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર, વર્લ્ડ ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ, કોન્ફીડેરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી, ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે ગ્રીન બિલ્ડિંગ કોંગ્રેસનું આયોજન જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, મુંબઈ ખાતે નવેમ્બર-૨૦૨૫માં કરવામાં આવ્યું હતું.
ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા દર વર્ષે ‘ગ્રીન યોર સ્કૂલ પ્રોગ્રામ’ અંતર્ગત દેશભરમાંથી સ્કૂલના રજીસ્ટ્રેશન મંગાવવામાં આવે છે. જેમાં આ વર્ષે દેશમાંથી ૭૨૦ સ્કૂલ આ પોગ્રામમાં સહભાગી થઇ હતી.જેમાં પ્રથમ ત્રણ નંબરમાં ગુજરાત , અરુણાચલપ્રદેશ અને પાંડેચરી રાજ્યોની સ્કૂલ પસંદગી કરવામાં આવી હતી.
આ પ્રોગ્રામ અંતર્ગત ગત ૨૬ નવેમ્બર ૨૦૨૫ના રોજ ગુજરાત સહિત ત્રણ સ્કૂલ દ્વારા જયુરી સમક્ષ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન, મુંબઈ, ખાતે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. રાજ્યના સમગ્ર શિક્ષણ વિભાગ,શાળાના આચાર્ય બિપીન ગોસ્વામી તેમજ શિક્ષકોના માર્ગદર્શન દ્વારા તૈયાર કરવામાં આવેલ ગ્રીન સ્કૂલ અંગેના ૧૧ નવા વિચારો અને સ્કૂલમાં ચાલતા પ્રોજેક્ટ અંગે દહેગામ તાલુકાની જીવરાજના મુવાડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ મીત ઠાકોર, યામી ઠાકોર અને જીગ્નેશ ઝાલા દ્વારા જયુરી સમક્ષ પ્રભાવી પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
આ ગ્રીન એવોર્ડ માટે શાળામાં કુલ ૧૧ આઇડિયા આપવામાં આવ્યા હતા. જેમાં હોમ મેડ જીવા મૃત,પેપર રિસાયકલિંગ, મૂડ પેઇન્ટિંગ ,અર્થેન પોર્ટ એસી વિથ હોમમેડ,પોર્ટેબલ બાયોગેસ પ્લાન્ટ પ્લાસ્ટિક ફ્રી સ્કૂલ, સ્માર્ટ એનર્જી ઓડિટ, ગ્રે વોટર સિસ્ટમ, સોલર વોટર પંપ, નેકી કી દીવાલ, રેડ બુક ડેટા જેવા આઇડિયાનો આગામી સમયમાં અમલ કરવામાં આવશે.
આ ઉપરાંત શાળામાં ઊર્જા ,પાણી અને વેસ્ટ મેનેજમેન્ટ માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. શાળામાં ‘ફ્રી પ્લાસ્ટિક સ્કૂલ, ફ્રી પ્લાસ્ટિક વિલેજ’ પર કામ કરવામાં આવી રહ્યું છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪માં કલાઇમેટ ચેન્જનો એવોર્ડ પણ આ શાળાને આપવામાં આવ્યો છે.