Last Updated on by Sampurna Samachar
ચૂંટણીની તૈયારીઓ વચ્ચે મુખ્યમંત્રી નીતિશ કુમારને ઝટકો લાગ્યો
કેન્દ્રની મોદી સરકાર વક્ફ બિલ, ૨૦૨૪ લાવવાની તૈયારીમાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે. જેની તાડામાર તૈયારીઓ વચ્ચે મુખ્યમંત્રી નીતિશ કુમારને લઘુમતી સમુદાય તરફથી મોટો ઝટકો મળ્યો છે. JDU ને વક્ફ સુધારા બિલનું સમર્થન કરવાનું ભારે પડ્યું હોવાના સંકેતો મળ્યા છે. મુસ્લિમ ધાર્મિક સંગઠનોએ નીતિશની ઈફ્તાર પાર્ટીનો બહિષ્કાર કર્યો છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે JDU ના વક્ફ સુધારા બિલને સમર્થનના કારણે મુસ્લિમ સંગઠનો તેનાથી નારાજ છે અને પહેલીવાર નીતિશની ઈફ્તાર પાર્ટીનો બહિષ્કાર કર્યો છે. આ ઈફ્તાર પાર્ટી પટનામાં યોજાવા જઈ રહી છે. બિહાર (BIHAR) માં JDU ના નેતૃત્વમાં NDA ની સરકાર છે. BJP , LJP (R)અને હિન્દુસ્તાન આવામ મોરચા પણ આ સરકારનો હિસ્સો છે.
ઓવૈસીએ પણ આ બિલનો વિરોધ કર્યો
કેન્દ્રની મોદી સરકાર વક્ફ (સુધારા) બિલ, ૨૦૨૪ લાવવાની તૈયારી કરી રહી છે. ફેબ્રુઆરી ૨૦૨૫ માં મોદી કેબિનેટે સંસદની સંયુક્ત સમિતિ (JPC) દ્વારા પ્રસ્તાવિત ૧૪ સુધારાઓને મંજૂરી આપી દીધી છે. આ સુધારાઓ વક્ફ મિલકતોની નોંધણી, વિવાદ પતાવટની પ્રક્રિયાઓ અને વક્ફ બોર્ડની રચના સાથે સંબંધિત છે. વિરોધ પક્ષોએ બિલની કેટલીક જોગવાઈઓ સામે વાંધો ઉઠાવ્યો છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) અને AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસીએ પણ આ બિલનો વિરોધ કર્યો છે.
મુસ્લિમ સંગઠન જમિયત ઉલેમા-એ-હિંદ અને ઈમારત-એ-શરિયાએ વક્ફ (સુધારા) બિલ પર એનડીએના સહયોગી નીતિશ કુમાર, એન ચંદ્રબાબુ નાયડુ અને ચિરાગ પાસવાનના વલણને ધ્યાનમાં રાખીને મોટો ર્નિણય લીધો છે. તેમણે ઇફ્તાર, ઇદ મિલન અને અન્ય કાર્યક્રમોનો બહિષ્કાર કરવાનો ર્નિણય લીધો છે. ઇફ્તાર પાર્ટીનો બહિષ્કાર કરનાર સંગઠનોમાં ઇમારત-એ-શરિયા, જમાત ઇસ્લામી, જમાત એહલે હદીસ, ખાનકાહ-એ- મોજબિયા, મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, જમિયત ઉલેમા-એ-હિંદ અને ખાનકાહ-એ-રહેમાની છે. અન્ય મુસ્લિમ સંગઠનોથી અંતર જાળવવા પણ અપીલ કરવામાં આવી છે.
ઈમારત-એ-શરિયાના જનરલ સેક્રેટરી મુફ્તી સૈદુર રહેમાને મીડિયાને જણાવ્યું હતું કે, અમારી ધાર્મિક સંસ્થાઓ નીતિશ કુમાર દ્વારા આપવામાં આવેલી ઇફ્તાર પાર્ટીમાં ભાગ લેશે નહીં. JDU એ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વક્ફ સુધારા બિલને સમર્થન આપવાનો ર્નિણય કર્યો છે, તે દૃષ્ટિકોણથી અમે મુખ્યમંત્રીની ઇફ્તાર પાર્ટીનો બહિષ્કાર કર્યો છે. જમિયતના વડા મૌલાના અરશદ મદનીએ એક નિવેદનમાં આરોપ મૂક્યો હતો કે, આ નેતાઓ સરકારના ‘બંધારણ વિરોધી પગલાં‘નું સમર્થન કરી રહ્યા છે.