Last Updated on by Sampurna Samachar
ઘર પાસેના ખેતરમાંથી ૧૩ વર્ષીય સગીરાની લાશ મળી
તપાસનો ધમધમાટ તેજ કરી હત્યારાને ઝડપી પાડ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ફરી એકવાર ચોંકાવનારો હત્યાનો કિસ્સો સામે આવ્યો છે.છોટાઉદેપુર જિલ્લાના નવરચિત કદવાલ તાલુકાના એક ગામમાં સગીરાની હત્યાની સનસનીખેજ ઘટના સામે આવી છે. ઘર પાસેના ખેતરમાંથી ૧૩ વર્ષીય સગીરાની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જોકે, જિલ્લા LCB અને સ્થાનિક પોલીસે ગણતરીના કલાકોમાં તપાસનો ધમધમાટ તેજ કરી હત્યારાને ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કદવાલ તાલુકાના એક ગામમાં રહેતી ૧૩ વર્ષીય સગીરા ભેદી સંજોગોમાં ગુમ થયા બાદ, તેની હત્યા કરાયેલી લાશ ઘરની બાજુમાં આવેલા ખેતરમાંથી મળી આવી હતી. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
પારિવારિક જમીનના જૂના વિવાદનાં કારણે કરી હત્યા
પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. શરૂઆતમાં આ હત્યા શા માટે અને કોણે કરી તે અંગે મોટું સસ્પેન્સ સર્જાયું હતું.
ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા એલસીબી પણ તપાસમાં જોડાઈ હતી. ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક કડીઓને આધારે પોલીસે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ હત્યા કોઈ અજાણ્યા શખ્સે નહીં પરંતુ પારિવારિક અદાવતમાં કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, પારિવારિક જમીનના જૂના વિવાદ અને ઝગડાનો બદલો લેવા માટે આ ક્રૂર હત્યા કરવામાં આવી હતી. જિલ્લા એલસીબીએ આ મામલે પ્રકાશ રાઠવા નામના શખસની ધરપકડ કરી છે. આરોપીએ પોતાની જ પરિવારની સગીરાને જમીન વિવાદમાં મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવ્યું છે.
કદવાલ પોલીસે હાલ આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક માસૂમ સગીરાની હત્યાના સમાચારથી ગ્રામ્ય વિસ્તારમાં ભારે શોક અને રોષની લાગણી જોવા મળી રહી છે.