પોલીસે પત્ની અને પ્રેમી સહિત ૪ આરોપીઓને ઝડપી લીધા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં રહેતા ભાવિક નામના યુવકનું લગ્નના ૨ દિવસ બાદ અપહરણ કરવામાં આવ્યું અને બાદમાં અપહરણકર્તાઓએ તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ મામલે અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા હતા. પોલીસે આ કેસમાં યુવકના મૃતદેહને શોધવા માટે તપાસ આરંભી હતી. જેમાં પોલીસને યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
બનાવની વિગતવાર વાત કરીએ તો આ કેસમાં ભાવિકની પત્ની પાયલના તેના જ પિતરાઈ ભાઈ સાથે પ્રેમ સંબંધો હતા. જોકે લગ્ન બાદ તેના સંબંધોમાં પતિ તેને નડતરરૂપ થતો હતો. જેથી પત્નીએ તેના પતિના અપહરણની યોજના બનાવી અને બાદમાં તેની હત્યાનું કાવતરું રચ્યું હતું. મૃતક યુવકના પરિવારજનોએ લગાવેલા આક્ષેપ મુજબ જ્યારે ભાવિક એક્ટિવા લઈને તેની પત્નીને તેડવા માટે જતો હતો તે સમયે એક કારે તેની એક્ટિવાને ટક્કર મારી હતી. બાદમાં કારમાંથી ઉતરીને આરોપીઓએ યુવકનું અપહરણ કર્યું અને તેની હત્યા કરી નાખી બાદમાં તેની લાશને કેનાલમાં ફેંકી દીધી હતી.
આ મામલે પરિવારજનો દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સાથે જ પરિવારજનો દ્વારા પોલીસ સ્ટેશનમાં હોબાળો પણ કરવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે પત્ની અને તેના પ્રેમી સહિત ૪ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે ઘટનાની જાણ થતાં જ અડાલજ પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસ દ્વારા આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેમાં પાયલ દંતાણી, કલ્પેશ ચુનારા, શૈલેષ ચુનારા અને સુનિલ ચુનારા સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવશે. આરોપીઓએ ગાંધીનગરના કોટેશ્વર વિસ્તારમાંથી પતિનું અપહરણ કર્યું હતું. બાદમાં તેની હત્યા કરીને પતિની લાશને કેનાલમાં ફેંકી દીધી હતી. જે મામલે પોલીસે તપાસ આરંભી તો મૃતક યુવક ભાવિકની લાશ અંબાપુર નર્મદા કેનાલ પાસેથી મળી આવી છે.