Last Updated on by Sampurna Samachar
આગની ઘટના સવારે પાંચ વાગ્યાના અરસામાં બની
(સંપૂર્ણ સમાચાર સેવા)
કચ્છના મુન્દ્રામાં એક મકાનમાં AC ના કમ્પ્રેસરમાં ધડાકો થતાં બાદ ઘરમાં આગ ભભુકી હતી. જેમાં પિતા-પુત્રી ઊંઘમાં જ બળીને ભડથું થઇ જતાં તેમના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે માતા ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે મુન્દ્રાની અદાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, મુન્દ્રાના બારોઈ રોડ ખાતે આવેલા સૂર્યનગરમાં રહેણાક મકાનમાં લાગેલા AC ના કોમ્પ્રેસરમાં કોઈ કારણોસર બ્લાસ્ટ થતા આગ ભભૂકી હતી. આગ લાગવાથી ઘરની અંદર ઊંઘી રહેલા એક જ પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા.
મુન્દ્રા પોલીસમાંથી પ્રાપ્ત માહિતી મુજબ, આગની ઘટના સવારે પાંચ વાગ્યાના અરસામાં બની હતી. રહેણાક વિસ્તારમાં આગ લાગતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને તંત્રને જાણ કરી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તુરંત ખાનગી કંપનીના ફાયર ફાયટરને બોલાવી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી.
આગ પર કાબૂ મેળવ્યા બાદ મકાન અંદર તપાસ કરતા પરિવારના ત્રણ સભ્યો દાઝેલી હાલતમાં મળી આવ્યા હતા. જેમાં મુળ આંધ્રપ્રદેશના રવિ કુમાર રામેશ્વર રાય (ઉ.૪૧) અને તેમની પુત્રી જાનવી (ઉ.૨) બળીને ભડથું થઇ ગયાં હતાં.
જેમના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવમાં આવ્યા છે. જ્યારે માતા કવિતાબેન ૭૦ ટકા બળી જતા તેમને સારવાર અર્થે મુન્દ્રાની અદાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે જાણવા જોગના આધારે આગળની તપાસ હાથ ધરી છે.