Last Updated on by Sampurna Samachar
૨૫ થી ૩૦ જૂન સુધી મુંબઈમાં હવામાન ખરાબ રહેશે
BMC એ પ્રવાસીઓને દરિયાથી દૂર રહેવાની સલાહ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સમગ્ર દેશમાં ચોમાસુ બરાબરનુ જામ્યુ છે. જ્યાં ઘણાં ખરા વિસ્તારોમાં તો ભારતીય હવામાન વિભાગે ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યાં મુંબઇમાં ૨૪ જૂનથી ૨૮ જૂન સુધી મુંબઈ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. સતત ૫ દિવસ માટે દરિયામાં હાઈ ટાઈડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાઈ ટાઈડ એટલે કે ભરતી દરમિયાન દરિયામાં સાડા ચાર મીટરથી વધુ ઊંચા મોજા ઉછળી શકે છે.
IMD અનુસાર, ૨૫ થી ૩૦ જૂન સુધી મુંબઈમાં હવામાન ખરાબ રહેશે. ભારે વરસાદની શક્યતા છે. ૨૪ જૂનથી ૨૮ જૂન સુધી હાઈ ટાઈડની શક્યતા છે. અરબી સમુદ્રમાં ૪.૫૯ મીટર ઊંચા મોજા ઉછળ્યા હતા. હવામાન વિભાગે જૂનથી સપ્ટેમ્બર સુધીના ૪ મહિનામાં ૧૯ દિવસ સુધી હાઈ ટાઈડનું એલર્ટ જાહેર કર્યું છે.
દક્ષિણ- પશ્ચિમ ચોમાસું આગળ વધશે
તેમજ મુંબઈમાં દરિયો તેના રૌદ્ર સ્વરૂપમાં હોવાથી BMC એ પ્રવાસીઓને દરિયાથી દૂર રહેવાની સલાહ આપી છે. મુંબઈ પોલીસે મુંબઈના જૂહુ સહિત અન્ય બીચ પર તકેદારી વધારી દીધી છે. BMC એ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે.
હવામાન વિભાગના અહેવાલ મુજબ, આગામી ૨ દિવસમાં દક્ષિણ- પશ્ચિમ ચોમાસું આગળ વધશે. ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગો, રાજસ્થાન, પંજાબના કેટલાક ભાગો, હરિયાણા-ચંદીગઢ અને દિલ્હીના કેટલાક વિસ્તારો, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશ અને જમ્મુના કેટલાક વિસ્તારોમાં ચોમાસુ આગળ વધશે. તેમજ ૨૫ જૂનથી ઉત્તરપશ્ચિમ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આગામી ૭ દિવસમાં મધ્ય, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.