Last Updated on by Sampurna Samachar
લાખો લોકોને ટાર્ગેટ કરવાની વાત કહેવામાં આવી
ધમકી મળતા પોલીસ એક્શન મોડમાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈને ફરી એકવાર બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હોવાના સમાચાર સામે આવ્યા છે. આ વખતે સ્યુસાઇડ બોમ્બિંગ એટલે કે, હ્યુમન બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે. આ ધમકી ભરેલો મેસેજ મુંબઈની ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર મોકલવામાં આવી છે. અનંત ચતુર્દશીના દિવસે આ ધમકી મળતા પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે.
મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે, ૩૪ ગાડીઓમાં હ્યુમન બોમ્બ લગાવવામાં આવ્યા છે અને વિસ્ફોટ બાદ આખી મુંબઈ હલી જશે. ધમકીમાં લશ્કર-એ-જેહાદી નામના સંગઠનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં દાવો કરાયો છે કે, ૧૪ પાકિસ્તાની આતંકવાદી ભારતમાં ઘુસી ગયા છે.મેસેજમાં કહેવામાં આવ્યું કે, ૪૦૦ કિલો RDX ના વિસ્ફોટથી ૧ કરોડ લોકો જીવ ગુમાવશે. મુંબઈ પોલીસ આ ધમકી મળતાની સાથે જે હાઇ એલર્ટ પર છે.
અનેકવાર પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ દ્વારા ધમકી મળી
નોંધનીય છે કે, આ પહેલીવાર નથી જ્યારે મુંબઈને માસ લેવલ પર બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હોય. આ પહેલા પણ અનેકવાર પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ દ્વારા અથવા પોલીસના નંબર પર મેસેજ કરીને આવી ધમકીઓ આપવામાં આવી હતી. જોકે, આ વખતે ધમકી ખૂબ જ ગંભીર છે અને લાખો લોકોને ટાર્ગેટ કરવાની વાત કહેવામાં આવી છે.
આજથી આશરે બે અઠવાડિયા પહેલા, વારલીની ફોર સિઝન હોટેલમાં બ્લાસ્ટની વોર્નિંગ આપવામાં આવી હતી. આ પહેલાં ૧૪ ઓગસ્ટે પોલીસને ફોન કરીને કહેવામાં આવ્યું હતું કે, એક ટ્રેનમાં બ્લાસ્ટ થશે અને પછી તરત ફોન કટ થઈ ગયો. ન તો સમય જણાવવામાં આવ્યો ન લોકેશનની જાણકારી આપવામાં આવી. જોકે, પોલીસે ગંભીરતાથી આ મુદ્દે તપાસ કરી હતી પરંતુ કંઈ શંકાસ્પદ વસ્તુ મળી નહતી.
મુંબઈને હચમચાવી દેનારી બીજી એક ધમકી ૨૬ જુલાઈએ મળી હતી. આ ધમકીમાં કહેવામાં આવ્યું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસને બોમ્બથી ઉડાડી દેવામાં આવશે. ધમકી આપનારનું સ્પષ્ટરૂપે કહેવું હતું કે, સ્ટેશન પર બોમ્બ મૂકવામાં આવશે, જેનાથી મુસાફરના જીવને જોખમ થઈ શકે છે. પોલીસને આ દરમિયાન પણ તપાસમાં કશું જ શંકાસ્પદ ન હતું મળ્યું.