Last Updated on by Sampurna Samachar
ગુજરાતના દરિયાકાંઠેથી ઝડપાયેલ સાત કરોડ રૂપિયાના હેરોઈનના કેસમાં સજા
(સંપૂર્ણ સમાચાર સેવા)
વર્ષ ૨૦૧૫માં ગુજરાતના દરિયાકાંઠેથી લગભગ સાત કરોડ રૂપિયાનું ૨૩૨ કિલોગ્રામ હેરોઈ જપ્ત કરવામાં આવ્યું હતું, હવે આ કેસમાં મુંબઈની વિશેષ અદાલતે ઝડપાયેલા આઠ પાકિસ્તાની નાગરિકોને ૨૦ વર્ષની સજા ફટકારી છે. આ ઉપરાંત કોર્ટે તમામ દોષિતોને ૨-૨ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
કેસની સુનાવણી દરમિયાન NDPS એક્ટ કેસના વિશેષ ન્યાયાધીશ શશિકાંત બાંગરે માદક પદાર્થો મામલે આ આઠેય પાકિસ્તાનીઓને દોષિત જાહેર કર્યા છે અને તેઓને વધુમાં વધુ ૨૦ વર્ષની સજા સંભળાવી છે. આ સાથે કોર્ટે પ્રત્યેક દોષિતને બે લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૫માં ભારતીય કોસ્ટ ગાર્ડ ટીમે ગુજરાતના દરિયા કાંઠેથી ૨૩૨ કિલોગ્રામ હેરોઈન જપ્ત કર્યું હતું, જેની કિંમત આશરે ૬.૯૬ કરોડ રૂપિયા હતી. આઠેય પાકિસ્તાની નાગરિકો આ હેરોઈનનો જથ્થો એક બોટમાં લાવી રહ્યા હતા. બોટમાં ૧૧ ડ્રમ હતા, જેમાં ઘઉંના રંગના પાવડરવાળા ૨૦ પ્લાસ્ટિકના પાઉચમાં હતા, જેની તપાસ કરવામાં આવતા તે હેરોઈન હોવાનો ખુલાસો થયો હતો.
મળતી માહિતી મુજબ, આઠેય આરોપીઓ પાસે ત્રણ સેટેલાઈટ ફોન, જીપીએસ નેવિગેશન ચાર્ટ અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને દક્ષિમ મુંબઈના યેલો ગેટ પોલીસને સોંપી દેવાયા હતા. વિશેષ સરકારી વકીલ સુમેશ પુંજવાનીએ માદક પદાર્થોની તસ્કરી કરનારાઓને કડક સંદેશ મળે તે હેતુથી, આરોપીઓને વધુમાં વધુ સજા ફટકારવાની માંગ કરી હતી. બીજીતરફ બચાવ પક્ષના વકીલ નરમ સજાએ નરમ વલણ અપનાવ્યું હતું. કોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કડક કાર્યવાહી કરી આઠેય આરોપીને વધુમાં વધુ સજા સંભળાવી છે.