Last Updated on by Sampurna Samachar
ચોમાસા બાદ રન-વે ની જાળવણી માટે નોટમ જાહેર
આ નિર્ણયથી ૧૦૦ થી ૧૫૦ ફ્લાઇટ પર અસર પડશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચોમાસા પછી વાર્ષિક રનવે જાળવણી કાર્ય માટે બંને રનવે અસ્થાયી રૂપે બંધ રહેશે. તેથી ૨૦ નવેમ્બરના રોજ મુંબઈ એરપોર્ટ પર છ કલાક માટે કોઈ ફ્લાઇટ ઉતરાણ કે ઉડાન ભરશે નહીં તેમ માહિતી છે. એરલાઇન્સને આ બંધ થવાની અગાઉથી જાણ કરવામાં આવી છે.

૨૦ નવેમ્બરે મુંબઇ એરપોર્ટના બંને ક્રોસ રનવે નંબર ૯/૨૭ અને ૧૪/૩૨ બંધ રહેશે. ક્રોસ રનવે ૬ કલાક સુધી બંધ કરવામાં આવશે. આ દરમિયાન અહીંથી ન તો કોઇ પ્લેન ટેકઓફ થશે કે ન કોઇ ફ્લાઇટ લેન્ડ થશે. આમ કરવાનું કારણ ચોમાસાને કારણે દર વર્ષે થનારીને સમારકામની કામગીરી છે. આ રનવે સવારે ૧૧ વાગ્યાથી શરૂ થઇને સાંજે ૫ વાગ્યા સુધી ૬ કલાક માટે ફ્લાઇટ માટે ઉપલબ્ધ નહીં રહે.
મુંબઇ એ ભારતનું સૌથી વ્યસ્ત એરપોર્ટ
મુંબઈ એરપોર્ટ મેનેજમેન્ટે પૂર્વનિર્ધારિત જાળવણી કાર્ય માટે ૬ કલાક બંધ રાખવાનો ર્નિણય લીધો છે. ભારે ચોમાસાના વરસાદને કારણે રનવેની સપાટી પર પાણી ભરાઈ જાય છે જેના કારણે વિવિધ સ્થળોએ તિરાડો દેખાય છે.
આ કારણોસર દર વર્ષે ચોમાસાની ઋતુ પૂરી થયા પછી રનવેની સંપૂર્ણ સફાઈ કરવામાં આવે છે અને જરૂરી સમારકામ પૂર્ણ કરવામાં આવે છે. આ કાર્યમાં રનવેની સપાટીની સફાઈ, તિરાડો ભરવી, ફરીથી હાઇલાઇટ કરવું અનેલાઇટિંગ સિસ્ટમનું સંપૂર્ણ નિરીક્ષણ કરવાનો સમાવેશ થાય છે.
એરપોર્ટ અધિકારીઓએ પાયલટને પહેલેથી જ નોટિસ એટલે કે નોટમ જાહેર કરી દીધુ હતું. આ નોટિસને કારણે તમામ એરલાઇન્સ પોતાની હવાઇ યાત્રા પ્લાન કરી શકે. આ દરમિયાન મુંબઇના મુખ્ય રનવે નંબર ૦૯ઇ/૨૭નો ઉપયોગ કરશે. મુંબઈ એરપોર્ટ મેનેજમેન્ટનું માનવુ છે કે પહેલેથી આપવામાં આવેલી સૂચના લેટ ફ્લાઇટના બનાવોને ઘણા અંશે ઘટાડી શકે છે. જેથી યાત્રીઓને મુશ્કેલી ન થાય.
મહત્વનું છે કે મુંબઇ એ ભારતનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. રોજની ૯૦૦ થી વધુ ફ્લાઇટ્સ કાર્યરત હોય છે. આથી આ રીતે જો ૬ કલાક ક્રોસ રનવે બંધ રહે તો ૧૦૦થી ૧૫૦ ફ્લાઇટ પર અસર પડશે. જોકે મુખ્ય રનવે સંપૂર્ણપણે કાર્યરત રહેશે, તેથી મોટાભાગની ફ્લાઇટ્સ સમયપત્રક પર અથવા થોડા વિલંબ સાથે ઉપડશે અને ઉતરશે. મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ૨૦ નવેમ્બરના રોજ એરલાઇન્સની વેબસાઇટ અથવા એપ્લિકેશન પર ફ્લાઇટની સ્થિતિ તપાસે.