અબ્દુલ રહેમાન મક્કી છેલ્લા કેટલાક દિવસોથી લાહોરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
૨૬/૧૧ મુંબઈ હુમલાનો ગુનેગાર અને પાકિસ્તાની આતંકી હાફિઝ અબ્દુલ રહેમાન મક્કી હાર્ટ એટેકમાં માર્યો ગયો છે. તે આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાનો ડેપ્યુટી ચીફ હતો. તેને ભારત શોધી રહ્યું હતું. તે પાકિસ્તાનમાં રહેતો હતો. મળતી માહિતી મુજબ, મક્કી મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદનો સંબંધી અને પ્રતિબંધિત જમાત-ઉદ-દાવાના ડેપ્યુટી ચીફ હતો. જમાત-ઉદ-દાવા અનુસાર, પ્રોફેસર અબ્દુલ રહેમાન મક્કી છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતો અને લાહોરની ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી.
અબ્દુલ રહેમાન મક્કીનો જન્મ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના બહાવલપુરમાં થયો હતો. મક્કી લાંબા સમયથી હાફિઝ સઈદની ખૂબ નજીક હતો તે લશ્કર અને જમાત-ઉદ-દાવામાં પણ ઘણા મહત્ત્વપૂર્ણ પદો પર રહી ચૂક્યો છે. મક્કીએ રાજકીય વડા અને લશ્કર માટે ભંડોળ એકત્ર કરવા જેવા કાર્યો પણ સંભાળ્યા. તે લશ્કરની ગવર્નિંગ બોડી શૂરાનો મેમ્બર પણ હતો.
મક્કીને ૨૦૦૦માં લાલ કિલ્લા અને ૨૦૦૮માં મુંબઈની તાજ હોટલ પર થયેલા આતંકવાદી હુમલા માટે ભારતીય એજન્સીઓ દ્વારા આરોપી ગણવામાં આવ્યો હતો. US નાણા વિભાગે તેને ૨૦૧૦માં વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં સામેલ કર્યો હતો.
JUD ના એક અધિકારીએ જણાવ્યું કે, મક્કીને હાર્ટ એટેક આવ્યો અને તેણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ચીફ હાફિઝ સઈદના સંબંધી મક્કીને ૨૦૨૦માં આતંકવાદ વિરોધી અદાલતે આતંકવાદને નાણાં પૂરા પાડવાના કેસમાં છ મહિનાની જેલની સજા ફટકારી હતી. મક્કી જેયુડીનો ડેપ્યુટી ચીફ હતો અને તેને આતંકવાદના કેસમાં સજા થયા બાદ તેની બહુ ચર્ચા થઈ ન હતી. પાકિસ્તાન મુત્તાહિદા મુસ્લિમ લીગ (PMML)એ એક નિવેદનમાં કહ્યું કે, મક્કી પાકિસ્તાની વિચારધારાનો સમર્થક હતો. મક્કીને ૨૦૨૩માં યુનાઇટેડ નેશન્સ દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો, જેના હેઠળ તેની સંપત્તિ ફ્રીઝ કરવામાં આવી, મુસાફરી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો અને હથિયાર પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ભારતની સાથે બીજા ઘણા દેશો પણ મક્કીની શોધમાં હતા.