Last Updated on by Sampurna Samachar
બધા અબજોપતિઓની કુલ સંપત્તિ રૂ.૧૬૭ લાખ કરોડ
૧૪મી M3M હુરૂન ઈન્ડિયા રિચ લિસ્ટ ૨૦૨૫ યાદી જાહેર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતના સૌથી ધનવાન વ્યક્તિઓની ૧૪મી M3M હુરૂન ઈન્ડિયા રિચ લિસ્ટ ૨૦૨૫મા મુકેશ અંબાણી અને તેમનો પરિવાર ફરી દેશના સૌથી ધનવાનોની યાદીમાં ટોપ સ્થાન પર આવી ગયો છે. તેમની કુલ સંપત્તિ રૂ.૯.૫૫ લાખ કરોડ આંકવામાં આવી છે. આ યાદીને M3M ઈન્ડિયા અને હુરૂન રિસર્ચ સંસ્થાએ મળી જારી કરી છે. ગૌતમ અદાણી અને તેમનો પરિવાર બીજા સ્થાને છે, જેની કુલ સંપત્તિ રૂ.૮.૧૫ લાખ કરોડ છે.

આ વખતે યાદીમાં નવી એન્ટ્રી પણ જોવા મળી છે. રૌશની નાદર મલ્હોત્રા અને તેમનો પરિવાર પ્રથમવાર ટોપ ત્રણમાં સામેલ થયો છે, જેની કુલ સંપત્તિ રૂ.૨.૮૪ લાખ કરોડ, અને તે ભારતના સૌથી ધનવાન મહિલા બની ગયા છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે નવી એન્ટ્રી ભારતની સંપત્તિની તસવીર બદલી રહી છે.
યાદીમાં ૧૦૧ મહિલાઓનો સમાવેશ
રિપોર્ટ્સ પ્રમાણે ભારતમાં હવે ૩૫૦ થી વધુ અબજોપતિ છે, જે ૧૩ વર્ષ પહેલા યાદીની શરૂઆતના સમયથી છ ગણો વધારો છે. બધા અબજોપતિઓની કુલ સંપત્તિ રૂ.૧૬૭ લાખ કરોડ છે, જે ભારતની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટનો લગભગ અડધો ભાગ છે.

યુવા સંપત્તિ નિર્માતા પણ પોતાની છાપ છોડી રહ્યાં છે. અરવિંદ શ્રીનિવાસ ૩૧ વર્ષ, Perplexity ના સંસ્થાપક, આ વર્ષે ભારતના સૌથી યુવા અબજોપતિ બન્યા, જેમની કુલ સંપત્તિ ૨૧૧૯૦ કરોડ રૂપિયા છે. બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન પણ પ્રથમવાર અબજોપતિની ક્લબમાં સામેલ થયો, જેની કુલ સંપત્તિ ૧૨૪૯૦ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. સંપત્તિના વધારાના મામલામાં આ વર્ષે નિરજ બજાજ અને તેમના પરિવારની કુલ સંપત્તિમાં મોટો વધારો થયો, અને ૬૯૮૭૫ કરોડ રૂપિયા જાેડી ૨.૩૩ લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે.
મુંબઈ ભારતના અબજોપતિઓનું સૌથી મોટું કેન્દ્ર છે, જેમાં ૪૫૧ એન્ટ્રી છે, ત્યારબાદ દિલ્હી (૨૨૩) અને બેંગલુરૂ (૧૧૬) નું સ્થાન છે. સેક્ટર પ્રમાણે ફાર્માસ્યુટિકલ્સ ૧૩૭ એન્ટ્રી સાથે પ્રથમ સ્થાને છે, ત્યારબાદ ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ્સ (૧૩૨) અને કેમિકલ્સ તથા પેટ્રોકેમિકલ્સ (૧૨૫) છે.
આ વર્ષની યાદીમાં ૧૦૧ મહિલાઓનો સમાવેશ થાય છે, એકંદરે, ભારતમાં સંપત્તિ નિર્માણના મુખ્ય પ્રેરકબળ સ્વ-નિર્મિત વ્યક્તિઓ છે, યાદીમાં સામેલ ૬૬% લોકો સ્વ-નિર્મિત છે, અને ૭૪% નવી એન્ટ્રીઓએ પોતાની સંપત્તિ જાતે બનાવી છે.