Last Updated on by Sampurna Samachar
કોરોના કાળથી બંધ ટ્રેનને ફરી શરૂ કરવા કરી માંગ
નોકરી- ધંધે જતા અને અભ્યાસ અર્થે જતા મુસાફરોને રહેશે સરળતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
દક્ષિણ ગુજરાતમાં વલસાડના મુસાફરો મુંબઈ તરફ જવા માટે વલસાડ બાંદ્રા ઈન્ટરસીટી ટ્રેનનો ઉપયોગ કરતા હતાં. આ ટ્રેનમાં મુસાફરોની ભારે ભીડ રહેતી હતી. ૨૦૨૦મા કોરોના કાળ શરૂ થતાં સરકારે આ ટ્રેન બંધ કરવાનો ર્નિણય લીધો હતો. ત્યારે કોરોના કાળથી બંધ રહેલી ટ્રેનને ફરી શરૂ કરવા માટે વલસાડના ભાજપના સાંસદે રેલવે (RAIL WAY) મંત્રીને પત્ર લખીને માંગ કરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે લોકસભાના દંડક અને વલસાડના ભાજપના સાંસદ ધવલ પટેલે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે જણાવ્યું હતું કે, કોરનાકાળથી બંધ કરવામાં આવેલી વલસાડ બાંદ્રા ટ્રેન ફરીથી શરૂ કરવામાં આવે. કારણ કે નોકરી ધંધે જતા અથવા તો અભ્યાસ અર્થે જતા મુસાફરોનો સમય બચશે. તેમજ તેમના પ્રવાસમાં સરળતા રહેશે. તેમણે વલસાડ સ્ટેશન પર વંદે ભારત, શતાબ્દિ એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજ આપવા માટે પણ વિનંતી કરી હતી.
આમ જનતાની માંગને રેલ્વે મંત્રી સુધી પહોંચાડી
વલસાડથી બાંદ્રા જવા માટે વલસાડ બાંદ્રા ઈન્ટરસીટી ટ્રેન લોકો માટે મહત્વની સાબિત થઈ હતી. પરંતુ કોરોના કાળમાં જ્યારે ટ્રેનો બંધ કરવામાં આવી ત્યારે આ ટ્રેન પણ બંધ કરાઈ હતી. પરંતુ હવે કોરોનાકાળ પૂર્ણ થયો છે અને જન જીવન રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે.
વલસાડથી લોકલ ટ્રેનનો કોઈ વિકલ્પ નહીં હોવાથી રોજ અવરજવર કરતા હજારો પ્રવાસીઓને ટ્રેનમા જનરલ કોચની સુવિધા મળતી નથી.જેથી પ્રવાસીઓને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડે છે.તેના કારણે લોકોએ બંધ કરવામાં આવેલી વલસાડ બાંદ્રા ટ્રેન ફરી શરૂ કરવા માંગ કરી છે. લોકોની માંગને સાંસદ ધવલ પટેલે પત્ર લખીને રેલવે પ્રધાન સુધી પહોંચાડી છે.