Last Updated on by Sampurna Samachar
૧૮ ડિસેમ્બરે લોકાયુક્ત પોલીસે સૌરભના ઘર પર દરોડો પાડ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્યપ્રદેશ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ (MPRTO) ના પૂર્વ કોન્સ્ટેબલ સૌરભ શર્માએ ભોપાલની કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે. કોર્ટે સૌરભની કેસ ડાયરી માંગી છે. કેસ ડાયરી મળ્યા બાદ કોર્ટ કેસની સુનાવણી કરશે. આવકવેરા વિભાગ (IT), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને MP લોકાયુક્તના દરોડા બાદ સૌરભ ફરાર થઈ ગયો હતો. જ્યાં કોર્ટમાં હાજર થયા બાદ તેણે આત્મસમર્પણ કર્યું હતું.

મહત્વનું છે કે, ૧૮ ડિસેમ્બરે લોકાયુક્ત પોલીસે ભોપાલના અરેરા કોલોનીમાં પૂર્વ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ કોન્સ્ટેબલ સૌરભના ઘર પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં સૌરભ શર્મા પાસે કરોડોની સંપત્તિ મળી આવી હતી, ઉપરાંત તેના મિત્ર ચેતનસિંહ ગૌરની કારમાંથી સોનું પણ મળી આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશની લોકાયુક્ત પોલીસે ૧૮ અને ૧૯ ડિસેમ્બરના રોજ ટ્રાન્સપોર્ટ વિભાગના પૂર્વ કોન્સ્ટેબલ સૌરભ શર્માના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. આ સમયગાળા દરમિયાન લોકાયુક્તે સૌરભના ઠેકાણાઓમાંથી રૂ. ૭.૯૮ કરોડ રોકડ અને ઝવેરાત રિકવર કર્યા હતા, જેમાં ૨ ક્વિન્ટલથી વધુ ચાંદીની ઈંટોનો પણ સમાવેશ થાય છે.
લોકાયુક્ત પોલીસ મહાનિર્દેશક જયદીપ પ્રસાદે જણાવ્યું કે સૌરભ શર્માના પિતા આરકે શર્મા સરકારી ડૉક્ટર હતા અને તેમનું ૨૦૧૫માં અવસાન થયું હતું. આ પછી, સૌરભ શર્માને ૨૦૧૫ માં રાજ્ય પરિવહન વિભાગમાં અનુકંપાનાં ધોરણે કોન્સ્ટેબલની પોસ્ટ પર નિમણૂક મળી અને તેણે ૨૦૨૩ માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી.
લોકાયુક્ત પોલીસના જણાવ્યા મુજબ, સૌરભ શર્માએ ભ્રષ્ટાચાર દ્વારા કમાયેલા નાણાંનો ઉપયોગ તેની માતા, પત્ની, સંબંધીઓ અને નજીકના સહયોગીઓ ચેતન સિંહ ગૌર અને શરદ જયસ્વાલના નામે શાળાઓ અને હોટલ ખોલવા સહિતની મોટી સંપત્તિ એકત્ર કરવા માટે કર્યો હતો.આ પછી આવકવેરા વિભાગ (IT) એ સૌરભ શર્માના સહયોગી ગૌર પાસેથી રોકડ અને સોનું પણ જપ્ત કર્યું હતું.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED એ પણ આ કેસ દાખલ કર્યો હતો. ED એ સૌરભના સંબંધીઓ અને સહયોગીઓ ચેતન ગૌર, શરદ જયસ્વાલ, રોહિત તિવારી સાથે તેના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા.આ સમયગાળા દરમિયાન ઈડ્ઢને બેંક ખાતામાં રૂ. ૪ કરોડની બેલેન્સ મળી આવી હતી. આ સિવાય ૨૩ કરોડ રૂપિયાની પ્રોપર્ટી અને ૬ કરોડ રૂપિયાની IT પણ જપ્ત કરવામાં આવી છે.
આ ઉપરાંત ઘણી પેઢીઓ અને કંપનીઓ દ્વારા કરવામાં આવેલ રોકાણો પણ બહાર આવ્યા હતા. મહત્વનું છે કે, ૧૭ જાન્યુઆરીએ ED એ સૌરભ શર્મા અને તેની સાથે જોડાયેલા લોકો વિરુદ્ધ કેસમાં મધ્યપ્રદેશના ભોપાલ અને ગ્વાલિયર અને મહારાષ્ટ્રના પુણેમાં દરોડા પાડ્યા હતા. એજન્સીએ ગયા ડિસેમ્બરમાં પણ આ કેસમાં સર્ચ હાથ ધર્યું હતું.