Last Updated on by Sampurna Samachar
મહોત્સવમાં ૧૮૦૦ ખેલાડીઓએ ભાગ લીધો
મંત્રી ડો.મનસુખ માંડવીયાએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રીય શ્રમ -રોજગાર, યુવા બાબતો અને ખેલ મંત્રાલયના કેબિનેટ મંત્રી ડો.મનસુખ માંડવીયાએ પોરબંદર લોકસભાના સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫ ફિનાલેને શક્તિના પ્રતિક રૂપ ગદા દર્શાવીને ખુલ્લો મુક્યો હતો.

કેન્દ્રીય મંત્રીએ રમતના મેદાનમાં રમતવીરો વચ્ચે જઈ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. જૂનાગઢ શહેરના સરદાર પટેલ પ્રમુખ સંકુલ ખાતે આ સાંસદ ખેલ મહોત્સવના ફિનાલેને ખુલ્લો મુકતા અને રમતવીરોને પ્રેરિત કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, રમત સંસ્કૃતિ અને જીવનશૈલીનો ભાગ છે, તેનાથી વ્યક્તિત્વ ખીલે છે.
વિજેતા ખેલાડીઓએ માર્ચ પાસ્ટ કરી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ખેલ સંસ્કૃતિને સાંસદ ખેલ મહોત્સવ, ખેલો ઇન્ડિયા, ખેલ મહાકુંભ વગેરે પ્રકલ્પોથી આપણી રમત સંસ્કૃતિનું પુન: જાગરણ કર્યું છે. આ સાંસદ ખેલ મહોત્સવમાં ૧૨ થી ૮૨ વર્ષના ૩૦ હજારથી વધુ ખેલાડીઓ ભાગ લઈ રમતના મેદાનમાં જઈ રમતો રમ્યા છે.
આ પ્રસંગે ખાસ કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ વિજેતા ખેલાડી પ્રિયંકાબેન ગોસ્વામીએ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રેરણા પૂરી પાડી હતી. ઉપરાંત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વિદ્યાર્થીનું ઇન્ટર યુનિવર્સિટી યોગા સ્પર્ધામાં ગોલ્ડ મેડાલિસ્ટ વાજા શાહનવાજનું કેન્દ્રીય રમત ગમત મંત્રીએ બહુમાન કર્યું હતું.
ફિનાલેમાં અન્ડર ૧૪, ૧૭, અબોવ ૧૭ અને ઓપન એજ કેટેગરીમાં આશરે ૧૮૦૦ જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ રમતોત્સવમાં કબડ્ડી,ખોખો, કુસ્તી, રસ્સાખેચ, એથ્લેટિક્સ, વોલીબોલ, યોગા વગેરે રમતોનો ફિનાલે યોજાઈ રહ્યો છે. વિજેતા ખેલાડીઓએ માર્ચ પાસ્ટ કરી હતી, ઉપરાંત સાંસ્કૃતિક મણિયારા રાસની પ્રસ્તુતિથી ખેલાડીઓમાં જોમ જુસ્સો ઉમેરાયો હતો.