મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે દુઃખ વ્યક્ત કર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્ય પ્રદેશના નિમાડમાં રહેતા અને એક પગ પર ૧૨ વર્ષ સુધી તપ કરનારા ૧૧૦ વર્ષીય સંત બાબા સિયારામ દેવલોક પામ્યા છે. સિયારામ બાબાના નિધનના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. અંતિમ દર્શન કરવા માટે તેમના શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી છે. સિયારામ બાબા વિશે કહેવાય છે કે, તેઓ હનુમાનજીના પરમ ભક્ત હતા અને તેમણે પોતાનું આખું જીવન ભક્તિ-સાધનામાં જ વિતાવી દીધુ છે.
નિમાડના સંત સિયારામ બાબાના નિધન પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. મોહન યાદવ પણ બાબાના અંતિમ દર્શન માટે ખરગોન જવાના છે. ખરગોનના SP ધરમરાજ મીણાએ જાણકારી આપી છે કે સંત સિયારામ બાબાનું નિધન થયું હતું. પોલીસ પ્રશાસન દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ખરગોન સ્થિત આશ્રમમાં રાખવામાં આવ્યો હતો. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો.
સિયારામ બાબા વિશે તેમના સેવકોએ જણાવ્યું છે કે, હનુમાન ભક્ત બાબા મોટાભાગે દાનમાં માત્ર ૧૦ રૂપિયા લેતા હતા. આ રકમ નર્મદા ઘાટ અને વિવિધ ધાર્મિક સંસ્થાઓના સમારકામ માટે આપવામાં આવી હતી. સેવકોના કહેવા પ્રમાણે બાબા બહુ ભણેલા ન હોવા છતાં, તેઓ સતત રામચરિતમાનસનો પાઠ કરતા હતા.
સિયારામ બાબા આશ્રમમાં આવતા ભક્તોને આધ્યાત્મિક માર્ગદર્શનથી ભરી દેતા હતા અને તેમને સકારાત્મક ઉર્જાથી ભરી દેતા હતા, જેના કારણે તેમના શ્રદ્ધાળુઓની સંખ્યા ઝડપથી વધી રહી હતી. બાબાના સેવકોએ જણાવ્યું કે, સિયારામ બાબાએ ૧૨ વર્ષ સુધી એક પગ પર ઉભા રહીને તપસ્યા કરી હતી. એટલું જ નહીં તેઓ દરેક ઋતુમાં લંગોટી જ પહેરતા હતા. તેઓ પોતાનું કામ કરવા ઉપરાંત ભોજન પણ જાતે જ બનાવતા હતા.