Last Updated on by Sampurna Samachar
મેં સીટ ખાલી કરી તેથી મારો આભાર માનો…!
નવા બનેલા મંત્રીને ગેનીબેને હસતા હસતા સંભળાવી દીધું
(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠામાં ૬ મહિના પહેલા જ નવા બનેલા ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને મંત્રીપદ મળી જતા ઠાકોર સમાજમાં ખુશીનો માહોલ છવાયો છે. ત્યારે ભાભરમાં કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરનું સ્વાગત કર્યું હતું. જોકે, આ સમયે ગેનીબેને એવી વાત કરી હતી કે, માહોલ હળવો બન્યો હતો, અને લોકો હસી પડ્યા હતા.
વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર મંત્રી બનતા તેમના પરિવાર અને ગામમાં ખુશીનો માહોલ છવાયો છે. ત્યારે ભાભરમાં આજે સ્વરૂપજી ઠાકોરનું ભવ્ય સ્વાગત કરાયું હતુ. આ પ્રસંગે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્વરૂપજી ઠાકોરને મંત્રી બનાવાતા ભાભરમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંસદ ગેનીબેન ઠાકોર હળવા અંદાજમાં દેખાયા હતા.
પાલનપુર કમલમ કાર્યાલય ખાતે સન્માન સમારોહ યોજાયો
રાજ્ય સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થયા બાદ નવા મંત્રીઓની રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવી હતી. જેમાં બનાસકાંઠાના ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને મંત્રી પદ સોંપવામાં આવ્યું છે. મંત્રી બન્યા બાદ વાવના ધારાસભ્ય અને મંત્રી સ્વરૂપજી ઠાકોર પણ પોતાના માદરે વતનથી કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાંથી બે ધારાસભ્યો પ્રવીણ માળી અને સ્વરૂપજી ઠાકોર મંત્રી બનતા આ બંનેનો પાલનપુર કમલમ કાર્યાલય ખાતે સન્માન સમારોહ યોજાયો. ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં મંત્રીઓના સન્માન માટે કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા અને કમલમ ખાતે પહોંચેલા બંને મંત્રીઓને ભેટ સોગાદ અર્પણ કરી કાર્યકર્તાઓએ મંત્રીઓનું સન્માન કર્યું હતું.
સ્વરૂપજી ઠાકોરે ૨૦૨૨ની રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં વાવ બેઠક પરથી ચૂંટણી લડી હતી, પરંતુ તેમાં તેઓ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સામે હારી ગયા હતા. આ ઉપરાંત, ૨૦૧૯માં તેમણે બનાસકાંઠા લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી, પરંતુ તેમાં પણ તેમને સફળતા મળી ન હતી. પરંતુ ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણી જીતીને સાંસદ બન્યા બાદ ખાલી પડેલી બેઠક પર ભાજપે સ્વરૂપજીને ઉમેદવાર બનાવ્યા હતા, અને તેઓ જીત્યા હતા. હજી હમણા જ નવા નવા ધારાસભ્ય બનીને આવેલા સ્વરૂપજી માટે મંત્રીપદ લોટરી જેવી છે.