Last Updated on by Sampurna Samachar
ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ચેઇન-સ્નેચિંગ કરતી અલગ અલગ ગેંગ છે જે રાહદારી તેમજ વાહન ચાલકોને ટાર્ગેટ કરતી હોય છે. પરંતુ ઘાટલોડિયા પોલીસના હાથમાં એક એવો યુવક આવ્યો છે, જે કોઈ ગેંગ માટે નહીં, પરંતુ પ્રેમિકા માટે ચેઇન-સ્નેચિંગનો ગુનો પહેલી વખત કર્યો હતો. આ ઉપરાંત આ યુવક મધ્ય પ્રદેશના કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્યનો પુત્ર હોવાનો ઘટસ્ફોટ થયો છે.
મળતી માહિતી અનુસાર, શહેરના થલતેજ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા ૨૫ વર્ષિય પ્રદ્યુમ્નસિંહ વિજેન્દ્રસિંહ ચંદ્રાવતની પોલીસે અટકાત કરી છે. તેણે ૨૫મી જાન્યુઆરીની રાતે મેમનગર રાજવી ટાવરમાં રહેતા ૬૫ વર્ષિય વસંતીબેન ઐયર ગળામાંથી ચેઈન કટરથી તોડીને ફરાર થઈ ગયો હતો. આ મામલે વસંતીબેને ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ચેઇન સ્નેચિંગની ઘટના પ્રદ્યુમનસિંઘે કરી છે. પોલીસે પ્રદ્યુમ્નસિંહની ધરપકડ કરીને પુછપરછ કરી હતી. પ્રદ્યુમ્નસિંહ મધ્યપ્રદેશના નીમજ જિલ્લામાં આવેલા માલહેડા ગામનો રહેવાસી છે.
પ્રદ્યુમ્નસિંહના પિતા વિજેન્દ્રસિહ ચંદ્રાવત મધ્ય પ્રદેશના પૂર્વ ધારાસભ્ય રહી ચુક્યા છે. પ્રદ્યુમ્નસિંહ ઘરથી કંટાળી ગયો હોવાથી તે અમદાવાદ આવી ગયો હતો અને ભાડાના મકાનમાં રહેતો હતો. તે એક યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો, જેના કારણે તેનો ખર્ચો વધી ગયો હતો. મોજશોખ પૂરા કરવા માટે પ્રદ્યુમ્નસિંહ ગુનાખોરીના રવાડે ચઢી ગયો હતો.