Last Updated on by Sampurna Samachar
લોકોને રાહત સામગ્રીનું વિતરણ કરવા પહોંચ્યા હતા
સાંસદ અને ધારાસભ્યને જીવ બચાવવા ભાગવું પડ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને ધારાસભ્ય પર હુમલો કરવામાં આવ્યો હતો. તેઓ પૂરગ્રસ્ત વિસ્તારમાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા ગયા હતા, પરંતુ લોકો ગુસ્સે થઈ ગયા અને તેમના પર પથ્થરમારો કર્યો હતો. ઘટનાસ્થળે પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે, સાંસદ અને ધારાસભ્યને જીવ બચાવવા ભાગવું પડ્યું હતું.
આ ઘટના પશ્ચિમ બંગાળના જલપાઈગુડીના નાગરકાટા વિસ્તારમાં બની હતી. પથ્થરમારામાં માલદા ઉત્તરના સાંસદ ખગેન મુર્મુ અને સિલિગુડીના ધારાસભ્ય ડૉ. શંકર ઘોષ ઘાયલ થયા હતા, અને તેમના વાહનોના કાચ પણ તૂટી ગયા હતા. સુરક્ષા કર્મચારીઓએ કોઈક રીતે તેમને ભીડમાંથી બચાવ્યા, તેમને વાહનમાં બેસાડીને હોસ્પિટલ લઈ ગયા હતા. પથ્થરમારાને કારણે સાંસદનું માથું ફૂંટી ગયું હતું અને તેમાંથી લોહી નીકળવા લાગ્યું હતું.
રાષ્ટ્રીય પ્રવક્તા અમિત માલવિયાએ હુમલાની નિંદા કરી
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સિલિગુડીના ધારાસભ્ય ડૉ. શંકર ઘોષ અને માલદા ઉત્તરના સાંસદ ખગેન મુર્મુ પૂરગ્રસ્ત લોકોને રાહત સામગ્રીનું વિતરણ કરવા પહોંચ્યા હતા, ત્યારે કેટલાક લોકો ઉશ્કેરાઈ ગયા હતા. તેઓએ એકબીજા સાથે દલીલો અને ગાળો બોલવા લાગ્યા હતા. ધારાસભ્ય અને સાંસદના સુરક્ષા કર્મચારીઓએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
સાંસદના માથા પર પથ્થર વાગ્યો, જેના કારણે લોહી નીકળવા લાગ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આવતા વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની હોવાથી, આ ઘટના રાજ્યની રાજકીય પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. ઘટનાસ્થળે પોલીસ તૈનાત કરવામાં આવી છે. પોલીસ પથ્થરમારો કરનારાઓની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે અને ઘટના વિશે માહિતી એકત્રિત કરવા માટે લોકોની પૂછપરછ કરી રહી છે.
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) આઈટી સેલના રાષ્ટ્રીય પ્રવક્તા અમિત માલવિયાએ સાંસદ અને ધારાસભ્ય પર થયેલા હુમલાની નિંદા કરી છે. તેમના X હેન્ડલ પર એક પોસ્ટમાં, તેમણે બંગાળમાં “જંગલ રાજ”નું વર્ણન કર્યું હતું. તેમણે લખ્યું કે, ઉત્તર માલદાથી બે વખત સાંસદ રહેલા અને આદરણીય આદિવાસી નેતા, ભાજપ સાંસદ ખગેન મુર્મુ પર TMC ના ગુંડાઓએ હુમલો કર્યો, જ્યારે તેઓ વિનાશક વરસાદ, પૂર અને ભૂસ્ખલન પછી રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે જલપાઇગુડીના ડુઅર્સ પ્રદેશના નાગરાકાટામાં હતા.
જ્યારે મમતા બેનર્જી તેમના કોલકાતા કાર્નિવલમાં નાચી રહ્યા હતા, ત્યારે TMC અને રાજ્ય વહીવટ ગેરહાજર હતા. જે લોકો ખરેખર મદદ કરી રહ્યા હતા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ તૃણમૂલ કોંગ્રેસનું બંગાળ છે, જ્યાં ક્રૂરતાની બોલબાલા છે અને દયાને સજા આપવામાં આવે છે.