Last Updated on by Sampurna Samachar
આ દુર્ઘટનામાં એકનું મોત અનેક ઈજાગ્રસ્ત થયાના અહેવાલ
ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા વાયરલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બેંગ્લોરના ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામીણ ઉત્સવ દરમિયાન ૧૦૦ ફૂટ ઊંચો રથ પડતાં ઉત્સવ માતમમાં ફેરવાઈ ગયો છે. આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. ગ્રામીણ SP એ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ કરી છે. આ ઘટના સાંજે ૬:૦૦ વાગ્યાની આસપાસ બની હતી. જ્યાં આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે ૧૦૦ ફૂટ ઊંચો રથ અચાનક ડગમગવા લાગે છે અને લોકોની ભીડ પર પડે છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે બેંગલુરુના અનેકલ નજીક હોસુરમાં ગામના એક મેળામાં મદ્દુરમ્મા દેવી જાત્રે દરમિયાન દેવીની મૂર્તિને લઈ જતો ૧૦૦ ફૂટ ઊંચો રથ ભીડ પર પડે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શ્રદ્ધાળુઓ આ રથ ખેંચી રહ્યા હતા, ત્યારે જ એક જગ્યા પર જઈને આ ૧૦૦ ફૂટ ઊંચો રથ લોકો પર પડી જાય છે. જેના કારણે તેના પર સવાર લોકો અને આસપાસ ચાલતા લોકોમાં અફરાતફરી મચી જાય છે. આ દુર્ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.