Last Updated on by Sampurna Samachar
Contents
ભરૂચમાં તંત્રના પાપે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ
૨ કરોડની ટાંકીનો વાલ્વ બગડતા ૧૦ લાખ લીટર પાણી વેડફાયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
જ્યારે આખું ગુજરાત ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીના ટીપે-ટીપા માટે તરસી રહ્યું છે, ત્યારે ભરૂચના ડુંગરી વિસ્તારમાં તંત્રની બેદરકારીને કારણે લાખો લીટર પીવાનું પાણી ગટરમાં વહી ગયું હતું. ‘નલ સે જલ‘ યોજના હેઠળ કરોડોના ખર્ચે બનેલી પાણીની ટાંકીનો વાલ્વ ખરાબ થતાં રસ્તાઓ પર જાણે ચોમાસું બેઠું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

ભરૂચના ડુંગરી વિસ્તારમાં અંદાજે રૂપિયા ૨ કરોડના ખર્ચે નવી પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. જાેકે, આ ટાંકીનો મુખ્ય વાલ્વ અચાનક ખરાબ થઈ જતાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી.
રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા
પાલિકા પાસે આ પાણીનો સંગ્રહ કરવા માટે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાને કારણે, વાલ્વ રિપેર કરવા માટે આખી ટાંકી ખાલી કરવાની ફરજ પડી હતી. પરિણામે, ૧૦ લાખ લીટર શુદ્ધ પીવાનું પાણી માર્ગો પર ફરી વળ્યું હતું અને અંતે ગટરમાં વહી ગયું હતું.
ભર ઉનાળે રસ્તાઓ પર નદીઓ વહેતી થતા વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ડુંગરી વિસ્તારના માર્ગો પાણીમાં ગરકાવ થઈ જતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. એકતરફ ઉનાળામાં પાણીની અછતની બૂમો પડી રહી છે, ત્યારે બીજી તરફ પાલિકાની યોગ્ય જાળવણીના અભાવે આટલો મોટો જથ્થો વેડફાઈ જતાં સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હવે આગામી દિવસોમાં આ વિસ્તારના લોકોને પાણીની અછતનો સામનો કરવો પડી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે.