અમારે મજબૂરીમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો પડ્યો : ખડગે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિપક્ષી INDIA ગઠબંધના નેતાઓએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને યાદ કર્યા હતા.
ખડગેએ કહ્યું કે, ‘સર્વપલ્લી રાધાકૃષ્ણને કહ્યું હતું કે, હું કોઈપણ પક્ષનો નથી. તેનો અર્થ એ છે કે, આ એક નિષ્પક્ષ હોદ્દો છે, પરંતુ અફસોસની વાત એ છે કે બંધારણ અપનાવવાના ૭૫માં વર્ષે આપણે રાજ્યસભાના અધ્યક્ષ સામે નો પ્રસ્તાવ લાવવો પડ્યો છે.’ રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ‘રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડનું આચરણ પદની ગરિમાને અનુકુળ નથી. તેઓ ક્યારેક કેન્દ્ર સરકારના ગુણગાન ગાવા લાગે છે, તો ક્યારેક પોતાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એકલવ્ય ગણાવે છે. તેઓ વિરોધ પક્ષો સાથે પક્ષપાતી વ્યવહાર કરે છે, તેથી જ અમારે મજબૂરીમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો પડ્યો છે.’
ખડગેએ તેમણે કહ્યું કે, ‘વિપક્ષી નેતાઓને બોલવાથી ન અટકાવી શકાય. રાજ્યસભાના અધ્યક્ષ હોવા છતાં ગૃહમાં હોબાળો ચાલી રહ્યો છે. તેમના વર્તનથી દેશની ગરિમાને નુકસાન થયું. અમારી તેમની સાથે કોઈ અંગત દુશ્મની નથી. આજના સમયમાં ગૃહમાં વધુ રાજકારણ રમાઈ રહ્યું છે. સભાપતિએ નિષ્પક્ષ રહેવું જોઈએ. ધનખડ સરકારના પ્રવક્તા બની ગયા છે. વિપક્ષી સભ્યો સુરક્ષાની આશાએ તેમને મળવા જાય છે, ત્યારે પણ તેઓ વડાપ્રધાનના વખાણ કરવા લાગે છે.’