Last Updated on by Sampurna Samachar
યુટ્યુબ પર વીડિયો જોઇ હત્યા કરનાર માતાને ફાંસીની સજા
માતાએ તાંત્રિકના કહેવાથી પગલુ ભર્યુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
તેલંગાણામાં સૂર્યપેટની એક સ્થાનિક કોર્ટે એક માતાને પોતાની જ પુત્રીની હત્યા કરવા બદલ ફાંસીની સજા ફટકારી છે. વર્ષ ૨૦૨૧ માં મહિલાએ આ હત્યાને અંજામ આપ્યો હતો અને બલિ આપવાના નામે પોતાની જ પુત્રીનો ભોગ લઇ લીધો હતો. મહિલાને એવો ભ્રમ હતો કે તેના પર કાળ સર્પ દોષ છે જેને દૂર કરવા માટે પુત્રીની બલિ આપી દીધી. જોકે કોર્ટે આ મહિલાને દોષિત ઠેરવીને ફાંસીની સજા ફટકારી છે. એક જ્યોતિષના કહેવાથી મહિલાએ માની લીધુ હતું કે તેને કાળ સર્પ દોષ છે.
તામિલનાડુની સૂર્યપેટ વિસ્તારની આ મહિલાને કોઇએ એવા વહેમમાં નાખી દીધી હતી કે તેના પર કાળ સર્પ દોષ છે જેને કારણે તેનું જીવન અસ્ત વ્યસ્ત છે. બાદમાં મહિલાએ કાળ સર્પ દોષને દૂર કરવા માટે સોશિયલ મીડિયા યુટયુબ પર વીડિયો જાેયા હતા. એટલુ જ નહીં તાંત્રીક સાથે પણ વાત કરી હતી. બાદમાં તાંત્રીકના કહેવાથી અને અન્યોની સલાહથી આ મહિલાએ એક એવુ પગલુ ભર્યું હતું જેમાં તેની પુત્રીએ જીવ ગુમાવી દીધો.
વર્ષ ૨૦૨૧ માં બનાવ બન્યો
મહિલાએ પોતાના પરના વહેમવાળા દોષોને દૂર કરવા માટે પોતાની જ પુત્રીનો બલિ ચડાવી દીધો હતો. પુત્રીની હત્યા બાદ પોલીસે બી. ભારતી ઉર્ફ લાસયા નામની આ મહિલાની ધરપકડ કરી લીધી હતી. આ મહિલાએ બે વર્ષ પહેલા પોતાના પતિની પણ પથ્થર મારીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જે મામલામાં પણ મહિલાને સજા થઇ ચુકી હતી.
હવે પુત્રીની હત્યાના કેસમાં સૂર્યપેટની એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશંસ કોર્ટે મહિલાને ફાંસીની સજા ફટકારી છે. કોર્ટે આ મામલાને રેરેસ્ટ ઓફ ધી રેર કેસ માન્યો હતો તેથી મહિલાને ફાંસીની સજા આપવામાં આવી છે. ૧૫ એપ્રિલ, ૨૦૨૧ના રોજ આરોપી મહિલા ભારતીએ સૂર્યપેટ જિલ્લાના મોથે મંડલના મેકલપતિ થંડામાં પોતાના ઘરના બેડરૂમમાં વિશેષ પૂજા કરી હતી, પૂજા કરતી વખતે પોતાના પર અને પુત્રી પર સિંદૂર તેમજ હળદર લગાવી હતી. જમીન પર કઇક ચિત્ર બનાવીને તેની કલાકો સુધી પૂજા કરી હતી. આ દરમિયાન પોતાની પુુત્રીનું ધારદાર હથિયારથી ગળુ કાપીને હત્યા કરી નાખી હતી. એટલુ જ નહીં પુત્રીની જીભ પણ કાપી નાખી હતી.
આ સમગ્ર મામલે પતિ બી કૃષ્ણાએ પોલીસ સમક્ષ ફરિયાદ કરીને આ ઘટનાક્રમ વર્ણવ્યો હતો. પુત્રીનો બલિ આપ્યા બાદ મહિલા લોહીલુહાણ કપડામાં જ ઘરની બહાર નીકળી હતી. બાદમાં ઘરની આસપાસના લોકોને કહ્યું હતું કે મે મારી પુત્રીનું દેવતાઓને બલિદાન કરી દીધુ છે અને સર્પ દોષથી છૂટકારો મેળવી લીધો છે. આ સમગ્ર મામલામાં આસપાસના ૧૦ સાક્ષીઓ, પતિની ફરિયાદ, ઘટના સમયે ઘરમાં પથારીવશ સસરાનું નિવેદન વગેરેને ધ્યાનમાં લઇને સજા આપવામાં આવી છે.
મહિલાએ કૃષ્ણા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, પોલીસ ફરિયાદ મુજબ કૃષ્ણાએ કહ્યું હતું કે મારી પત્ની માનસિક રીતે બીમાર રહેતી હતી, તેને કોઇ જ્યોતિષે કહી દીધુ હતું કે તેને સર્પ દોષ છે. તે બાદથી પોતાના સ્માર્ટફોનમાં સતત તેના વીડિયો જાેયા કરતી હતી. જેની અસર તેના મનમાં ઘર કરી ગઇ અને તેમાં પુત્રીનો જીવ લઇ લીધો. હાલ ફાંસીની સજા પામેલી આ મહિલા હૈદરાબાદની જેલમાં કેદ છે.