Last Updated on by Sampurna Samachar
અંતરિક્ષ માટે રવાના થયું મિશન AXIOM -૪
NASA ના કેનેડી સ્પેસ સેન્ટરથી ભરી ઉડાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
૨૫ જૂન, ૨૦૨૫ ભારત માટે ખૂબ જ ખાસ અને ઐતિહાસિક દિવસ છે. કારણ કે ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ બપોરે ૧૨:૦૧ વાગ્યે અવકાશ તરફ ઉડાન ભરી ઇતિહાસ રચ્યો છે. શુભાંશુ અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરાયેલા એક્સિઓમ-૪ મિશનનો ભાગ છે. આ ફ્લાઇંગનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું, જેને શુભાંશુના માતા-પિતાએ પણ જોયું હતું.
વાત કરીએ આ દરમિયાન શુભાંશુની માતા ખૂબ જ ભાવુક દેખાતી હતી. તે વારંવાર આંસુ લૂછી રહી હતી. તેનો પુત્ર ઉડાન ભરતા જ તે તાળીઓ પાડતી જોવા મળી હતી. જણાવી દઈએ કે, ૨૮ કલાકની મુસાફરી પછી, AXIOM -૪ મિશન ભારતીય સમય મુજબ ગુરુવારે સાંજે ૪:૩૦ વાગ્યે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પહોંચવાની ધારણા છે.
“હું એકલો નથી, હું તમારા બધા સાથે છું”
SPACE X નું FACLON – 9 રોકેટ NASA ના કેનેડી સ્પેસ સેન્ટરથી બપોરે ૧૨:૦૧ વાગ્યે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે ઉડાન ભરી હતી. ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ અવકાશયાત્રીઓએ AXIOM -૪ મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ઉડાન ભરીને ઇતિહાસ રચ્યો છે.
આ દરમિયાન શુભાંશુ શુક્લાએ અવકાશયાનની અંદરથી પહેલો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે, “નમસ્તે, મારા પ્રિય દેશવાસીઓ, WHAT A RIDE … ૪૧ વર્ષ પછી આપણે ફરીથી અવકાશમાં પહોંચ્યા છીએ. અને તે એક અદ્ભુત સવારી હતી. અત્યારે આપણે પૃથ્વીની આસપાસ ૭.૫ કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે ફરતા હોઈએ છીએ. મારા ખભા પર મારો ત્રિરંગો છે, જે મને કહી રહ્યો છે કે, હું એકલો નથી, હું તમારા બધા સાથે છું.”
જણાવી દઈએ કે, ઘણીવાર મુલતવી રાખ્યા પછી, AXIOM -૪ મિશનનો સમય બપોરે ૧૨:૦૧ વાગ્યે નક્કી કરવામાં આવ્યો હતો અને અમેરિકાની ખાનગી એરોસ્પેસ અને અવકાશ પરિવહન સેવા કંપની SPACE X એ જાહેરાત કરી છે કે, હવામાન ઉડાન માટે ૯૦ ટકા અનુકૂળ હતું.
લખનઉંમાં જન્મેલા શુક્લા, ભૂતપૂર્વ મિશન કમાન્ડર પેગી વ્હિટસન, યુએસ સ્પેસ એજન્સી NASA (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન) ના અવકાશયાત્રી, હંગેરિયન અવકાશયાત્રી ટિબોર કાપુ અને પોલેન્ડના સ્લાવોજ ઉજ્નાન્સ્કી-વિસ્નીવસ્કી આ મિશનનો ભાગ છે. સ્પેસએક્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ” એક્સિઓમ સ્પેસના AX -૪ મિશનને સ્પેસ સ્ટેશન પર લોન્ચ કરવા માટે બધી સિસ્ટમો યોગ્ય લાગે છે અને હવામાન ઉડાન માટે ૯૦ ટકા અનુકૂળ છે.”
નાસાએ કહ્યું હતું કે, નાસા, એક્સિઓમ સ્પેસ અને સ્પેસએક્સે હવે ચોથા ખાનગી અવકાશયાત્રી મિશન એક્સિઓમ મિશન ૪ ને આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર લોન્ચ કરવા માટે બુધવાર, ૨૫ જૂનના રોજ બપોરે ૧૨.૦૧ વાગ્યે (ભારતીય સમય) લક્ષ્ય રાખ્યું છે. એક્સિઓમ-૪ કોમર્શિયલ મિશનનું નેતૃત્વ કમાન્ડર પેગી વ્હિટસન કરી રહ્યા છે, જેમાં શુક્લા મિશન પાઇલટ તરીકે અને હંગેરિયન અવકાશયાત્રી ટિબોર કાપુ અને પોલેન્ડના સ્લેવોજ ઉઝનાન્સ્કી-વિસ્નીવસ્કી મિશન નિષ્ણાતો તરીકે છે.