Last Updated on by Sampurna Samachar
પોતાના જ નજીકના કુટુંબીઓ સામે ફરિયાદ નોંધાવી
ઘટનાને લઈ પરિવારમાં તેમજ ગામમાં ચિંતા અને તણાવનો માહોલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ધરમપુર ગામમાં રહેતા મુકેશ જીણાંભાઈ ખરા નામના ૩૫ વર્ષના દલિત યુવાને પોતાના ઉપર તેમજ પોતાની માતા નાથીબેન ઉપર લાકડી વડે હુમલો કરી બંનેના માથા ફોડી નાખવા અંગે પોતાના જ નજીકના કુટુંબીઓ સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીઓ તરીકે ખંભાળિયા તાલુકાના સગપર ગામમાં રહેતા સંજય જેસાભાઈ ખરા, મુકેશ ખીમાભાઈ ખરા, દિનેશ ખીમાભાઈ ખરા, ખીમાભાઈ દેવાભાઈ ખરા, રાજેશ કરસનભાઈ ખરા સહિતના નામો જાહેર કરવામાં આવ્યા છે.

હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા માતા–પુત્રને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં બંનેના માથામાં ગંભીર ઇજા થતા ટાંકા લેવા પડ્યા છે. તબીબોના જણાવ્યા મુજબ હાલ તેમની સ્થિતિ સ્થિર છે. ઘટનાને લઈને પરિવારમાં તેમજ ગામમાં ચિંતા અને તણાવનો માહોલ સર્જાયો છે.
“અમને શા માટે ન બોલાવ્યા?”
પોલીસ ફરિયાદ મુજબ મુકેશભાઈના નાના ભાઈના છઠ્ઠી તારીખે લગ્ન હતા અને આરોપીઓને કંકોત્રી મોકલવામાં આવી ન હોવાથી તેઓ રોષે ભરાયા હતા. લગ્ન પ્રસંગે આવી “અમને શા માટે ન બોલાવ્યા?” કહી બોલાચાલી કરી અને બાદમાં લાકડીઓ વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.