Last Updated on by Sampurna Samachar
દીકરીના પ્રેમ સંબંધને લઈને આ કૃત્ય કરાયાનુ સામે આવ્યું
પોલીસ તપાસમાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાવનગર શહેરમાંથી સાંભળીને જ હૃદયમાં કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. જેમાં પ્રેમ સંબંધના કારણે એક ૨૨ વર્ષીય યુવતીની હત્યા કરી દેવામાં આવી છે. જેમાં હત્યારાઓ બીજા કોઈ નહીં પરંતુ યુવતીની સગી જનેતા અને ભાઈએ મળીને યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી છે. યુવતીની ર્નિમમ રીતે હત્યા કરી તેના મૃતદેહનો નજીકના ચેકડેમમાં નિકાલ કરી નાખ્યો હતો. જોકે પિતાએ દીકરી ગુમ થયા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસમાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

ભાવનગર શહેર નજીક આવેલું અને જિલ્લાના ઘોઘા તાલુકાના ભીકડા ગામે રહેતા અને ટ્રક ડ્રાઈવર તરીકે વ્યવસાય કરતા હિંમતભાઈ હરજીભાઈ સરવૈયા નોકરી પરથી ઘરે આવતા તેણે પોતાની ૨૨ વર્ષીય દીકરીને ઘરે નહીં જોતા પતિને દયાબેનને દીકરી અંગે પૂછપરછ કરી હતી. જેના જવાબમાં માતા દયાબેને કહ્યું હતું કે દીકરી પારૂલ ઘરની પાછળ આવેલા ચેકડેમ પાસે કુદરતી હાજતે ગઈ છે, જે બાદ મોડે સુધી દીકરી પરત નહીં ફરતા પિતાએ શોધખોળ બાદ દિકરી પારૂલબેન ગુમ થયા અંગે વરતેજ પોલીસ મથકે જાણ કરી હતી.
પોલીસે માતા અને પુત્રને હત્યાના ગુન્હામાં ઝડપ્યા
જેના બીજા દિવસે ભીકડા ગામ નજીક આવેલા ખાલી પડેલા ચેકડેમ પાસેથી ગુમ થયેલ પારૂલબેનનો લોહીલુહાણ હાલતે મૃતદેહ મળી આવતા તેના પિતાએ વરતેજ પોલીસને જાણ કરી હતી. જેથી વરતેજ પોલીસ કાફલો ઘટના સ્થળ પર ધસી ગયો હતો, તપાસ દરમ્યાન યુવતીના શરીર પર ઇજાના નિશાન જોવા મળતા પોલીસે મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ આરંભી હતી.
પીએમ રિપોર્ટમાં પણ યુવતી પારૂલબેનનું મોત ઈજાઓના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું, જેના પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ ભીકડા ગામે રહેતી અને હિંમતભાઈ હરજીભાઈ સરવૈયાની ૨૨ વર્ષીય દીકરી પારૂલબેન સરવૈયા છેલ્લા એક વર્ષથી સિહોર ખાતે રહેતા વિવેક નામના યુવાનના પ્રેમમાં પડી હતી. ઈન્સ્ટાગ્રામ પર બંનેનો પરિચય થયો હતો, જે બાદ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. મોડે સુધી ઈન્સ્ટાગ્રામ પર દીકરી પારૂલ વાતો કરતી હોય તેના ભાઈ પ્રકાશ સરવૈયા અને માતા દયાબેનને દીકરીના પ્રેમ સંબંધ અંગે જાણ થઈ જતા તેણે દીકરી પારૂલ ને સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા હતા. પરિણામે પારૂલ અને તેના પરિવાર વચ્ચે વારંવાર વાદ વિવાદ થતા હતા.
અનેકવાર સમજાવ્યા છતાં પારૂલ પોતાની વાત પર અડગ રહી હતી અને પ્રેમી સાથે જ લગ્ન કરવા માંગતી હતી. જેમાં તારીખ ૧૮ ઓક્ટોબરે દીકરી પારૂલબેન સિહોરના વિવેક સાથે વાત કરતા ઝડપાઈ ગઈ હતી. જેથી માતાપુત્રએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિવેક સાથે લગ્ન માટે પારૂલ અડગ રહેતા માતાપુત્ર ઉશ્કેરાઈ ગયા હતા.
જે બાદ તેની માતા દયાબેને પારૂલબેનનું મોઢું દબાવી દીધું હતું, તે સમયે તેના ભાઈ પ્રકાશે તીક્ષ્ણ હથિયારના ગળા અને પેટના ભાગે ઘા ઝીંકી દઈ પારૂલબેનની હત્યા કરી દીધી હતી. જે બાદ તેના મૃતદેહને પ્લાસ્ટિકની તાડપત્રીમાં લપેટી ઘર પાછળ વાડામાં સંતાડી ઘરમાં પડેલા લોહીના ડાઘ ધોઈ નાખ્યા હતા. બીજા દિવસે વહેલી સવારે પારૂલબેનના મૃતદેહને ગામ નજીક આવેલા ખાલી પડેલા ચેકડેમમાં લઈ જઈ ફેંકી દઈ ગુન્હો છુપાવવા તાડપત્રી અને લોહીવાળા કપડાં પણ સળગાવી દીધા હતા.
પારૂલબેનનો મૃતદેહ ભીકડા નજીકના ખાલી પડેલા ચેકડેમ માંથી મળી આવ્યા બાદ પોલીસે કરાવેલા પેનલ પીએમ માં પારૂલની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી, તપાસ દરમ્યાન પોલીસને પારૂલ અને વિવેક વચ્ચેના પ્રેમ સંબંધ અંગે જાણ થઈ હતી, જે બાબતે વિવેક ની પૂછપરછ કરી હતી, જેમાં પારૂલબેનની માતા અને ભાઈ લગ્ન માટે તૈયાર ના હોવા અંગે પોલીસને બાતમી મળી હતી. જે બાદ પોલીસે એફએસએલ અને ડોગ સ્કોર્ડની મદદ લઈ ગુન્હો ઉકેલવા પ્રયાસ શરૂ કર્યા હતા..
જેમાં પોલીસ વિભાગના બિન નામના શ્વાને હત્યારાઓ ને ઓળખી બતાવ્યા હતા, પોલીસ ડોગ ને સ્થળ પર લઈ ગઈ હતી, તેમજ આજુબાજુના પગમાર્કની ગંધ પારખી શ્વાને તેના ઘર ભણી દોટ લગાવી હતી, જેમાં પરિવાર સાથે બેસેલા તેના ભાઈ પ્રકાશ સરવૈયા અને માતા દયાબેન સરવૈયાએ શ્વાને ઓળખી બતાવતા પોલીસે તેના પિતા હિંમતભાઈ, માતા દયાબેન અને ભાઈ પ્રકાશ સરવૈયાને પોલીસ મથકે લઈ જઈ આગવી ઢબે પૂછપરછ કરતા તેની માતાએ દીકરા સાથે મળી દિકરી પારૂલબેનની હત્યા કરી હોવાની કબૂલાત આપતા પોલીસે માતા પુત્રને હત્યાના ગુન્હામાં ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.