Last Updated on by Sampurna Samachar
તેહરાનના ટ્રાફિક કેમેરા બન્યા ખામેનેઈના મોતનું કારણ!
સુરક્ષા કેમેરા અને એન્ક્રિપ્શન અલ્ગોરિધમની મદદથી આખી વ્યૂહનીતિ ઘડાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈઝરાયલની ગુપ્તચર સંસ્થાઓએ તેહરાનના ટ્રાફિક કેમેરા અને મોબાઇલ નેટવર્ક હેક કરીને ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈની જાસૂસી કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

અહેવાલો મુજબ, આ હાઇ-ટેક જાસૂસી દ્વારા ઈરાની જનરલ કાસિમ સુલેમાની અને તેમના સાથીઓની હત્યા પહેલા જ ઈઝરાયલી અધિકારીઓએ ખામેનેઈ ક્યાં રહે છે અને ક્યાં કામ કરે છે તેની ચોક્કસ માહિતી મેળવી લીધી હતી.
વિરોધ પ્રદર્શન કરનારાઓ પર રખાઈ નજર
તેહરાનમાં ઠેર-ઠેર લાગેલા સુરક્ષા કેમેરા અને એન્ક્રિપ્શન અલ્ગોરિધમની મદદથી આખી વ્યૂહનીતિ ઘડવામાં આવી હતી.
રસપ્રદ વાત એ છે કે ઈરાને આ સુરક્ષા કેમેરા અને મોબાઇલ નેટવર્ક પોતાના નાગરિકો અને વિરોધ પ્રદર્શન કરનારાઓ પર નજર રાખવા માટે લગાવ્યા હતા, પરંતુ ઈઝરાયલ અને અમેરિકાની ગુપ્તચર એજન્સીઓએ આ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ ઈરાની સરકાર વિરુદ્ધ કર્યો હતો.
તેહરાનની સૌથી સુરક્ષિત ગણાતી ‘પાશ્ચર સ્ટ્રીટ‘ પર લાગેલા કેમેરા દ્વારા વીડિયો સિગ્નલ મેળવીને તેને ઈઝરાયલના સર્વર પર મોકલવામાં આવ્યા હતા.
આ ડેટા દ્વારા ખામેનેઈના બોડીગાર્ડ્સની હિલચાલ અને તેમની શિફ્ટ પેટર્ન પણ જાણી લેવામાં આવી હતી.
જાસૂસી સંસ્થાઓએ મોબાઇલ નેટવર્ક હેક કરીને ખામેનેઈની સુરક્ષા ટીમની ‘પેટર્ન ઑફ લાઇફ‘ એટલે કે તેમની રોજિંદી આદતો, ઘરના સરનામા અને અવરજવરના રસ્તાઓ શોધી કાઢ્યા હતા.
હુમલો શરુ થતાં પહેલા, ઈઝરાયલ દ્વારા તે વિસ્તારના મોબાઇલ ટાવર બંધ કરી દેવામાં આવ્યા હતા, જેથી સુરક્ષા અધિકારીઓ એકબીજાનો સંપર્ક ન કરી શકે. આ રીતે ઈરાનની પોતાની જ જાસૂસી સિસ્ટમનો ઉપયોગ કરીને તેના જ નેતાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.