Last Updated on by Sampurna Samachar
જો દોષિત ઠરશે તો કડક કાર્યવાહી કરાશે
શિબિરમાં અપાયેલી દવાથી લોકો થયા પરેશાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંજાબના સંગરુરમાં ૬૦ થી વધુ લોકોને એકસાથે ચેપી રોગ થતાં સનસનાટી મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર કાલી દેવી મંદિર ખાતે આયોજિત કેમ્પમાં આપવામાં આવેલી દવાના રિએક્શનથી પીડાતા દર્દીઓની સંખ્યા સિવિલ હોસ્પિટલમાં ૬૫ ને વટાવી ગઈ છે. જ્યાં સોશિયલ મીડિયા પર આ કેમ્પનો પ્રચાર થયા પછી લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા, પરંતુ દવાના ઉપયોગને કારણે આંખોમાં બળતરા, સોજો આવવો અને ચેપની ફરિયાદો શરૂ થઈ હતી. હવે પોલીસ અને આરોગ્ય વિભાગે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર સંગરુરના કાલી દેવી મંદિરમાં ટાલ દૂર કરવા માટે એક શિબિરનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સેંકડો લોકોએ ભાગ લીધો હતો. આ શિબિરનો સોશિયલ મીડિયા પર લાંબા સમયથી પ્રચાર કરવામાં આવી રહ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે એક ખાસ દવા ટાલ મટાડી શકે છે.
ચેપથી પીડાતા દર્દીઓની સંખ્યા વધી
જે બાદ દર્દીના જણાવ્યા મુજબ આ દવા લગાવ્યાના થોડા સમય પછી તેમની આંખોમાં બળતરા થવા લાગી, જે ધીમે ધીમે વધતી ગઈ અને સોજો પણ આવવા લાગ્યો. જ્યારે તેમની હાલત વધુ ખરાબ થઈ, ત્યારે ઘણા લોકો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં ડોક્ટરોએ તેમની સારવાર શરૂ કરી.
આ અંગે સિવિલ સર્જન સંજય કામરાએ જણાવ્યું હતું કે, “અમને માહિતી મળી છે કે સિવિલ હોસ્પિટલમાં આંખમાં બળતરા અને ચેપથી પીડાતા દર્દીઓની સંખ્યા ૬૫ થી વધુ થઈ ગઈ છે. બધા દર્દીઓએ સોજો અને બળતરાની ફરિયાદ કરી છે, જે કદાચ કેમ્પમાં આપવામાં આવતી દવાને કારણે થયું હશે.” તેમણે કહ્યું કે કેટલાક દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં પણ સારવાર લઈ રહ્યા છે, જેના કારણે કુલ સંખ્યામાં વધારો થવાની સંભાવના છે.
એક પીડિત દર્દીએ કહ્યું, અમે સોશિયલ મીડિયા પર સાંભળ્યું હતું કે આ વ્યક્તિની દવાથી ટાલ મટે છે. મેં કાલી દેવી મંદિરમાં દવા લગાવી, પણ થોડા સમય પછી મારી આંખોમાં બળતરા થવા લાગી. સોજો પણ વધી ગયો હતો, જેના પછી અમારે સિવિલ હોસ્પિટલમાં આવવું પડ્યું. હવે મને દવા લેવાથી રાહત મળી રહી છે. ઘણા અન્ય દર્દીઓએ પણ આવી જ ફરિયાદો નોંધાવી હતી, અને હોસ્પિટલમાં સમાન સમસ્યાથી પીડાતા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.
આ મામલે SMS સંગરુર દ્વારા સંગરુર પોલીસને નોટિસ મોકલી છે. સુનમના DSP સંજીવ ગોયલે જણાવ્યું હતું કે, “અમને આ ઘટના વિશે માહિતી મળી છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. શિબિરના આયોજકો સામે કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે પરવાનગી વિના આવા કાર્યક્રમનું આયોજન કરવું એ ગંભીર બાબત છે.” તેમણે કહ્યું કે તપાસ બાદ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
સિવિલ સર્જન સંજય કામરાએ વધુમાં જણાવ્યું હતું કે, “અમે દર્દીઓની સારવાર શરૂ કરી દીધી છે. શક્ય છે કે કેમ્પમાં વપરાતી દવામાં કોઈ ખામી હોય, જેના કારણે ચેપ લાગ્યો હોય. અમે તેની તપાસ કરી રહ્યા છીએ, અને પોલીસને જાણ કરવામાં આવી છે. દર્દીઓને યોગ્ય સારવાર મળી રહી છે.”
DSP સંજીવ ગોયલે જણાવ્યું હતું કે, “અમને SMS સંગરુર તરફથી નોટિસ મળી છે. અમે તપાસ કરી રહ્યા છીએ કે આ શિબિર કેવી રીતે અને કોના દ્વારા આયોજિત કરવામાં આવી હતી. જો દોષિત ઠરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. લોકોને આવા બિન-પ્રમાણિત શિબિરોથી દૂર રહેવા અપીલ કરવામાં આવે છે.”