Last Updated on by Sampurna Samachar
ભરૂચ RTO કચેરીમાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા CPR ટ્રેનિંગ
કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી અને ARTO પંકજ ઉપસ્થિત રહ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભરૂચ RTO કચેરીમાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા CPR ટ્રેનિંગ યોજાઈ હતી. ૬૦થી વધુ કર્મચારીઓ અને અરજદારોએ જીવન રક્ષક તાલીમ મેળવી હતી.અકસ્માત કે આકસ્મિક સંજોગોમાં જ્યારે કોઈ વ્યક્તિ બેભાન થઈ જાય, ત્યારે તબીબી સહાય મળે તે પહેલાની ગણતરીની મિનિટો ખૂબ જ કિંમતી હોય છે. આ જ હેતુને સાર્થક કરવા માટે ભરૂચ RTO કચેરી ખાતે સંકલ્પ ફાઉન્ડેશનના સહયોગથી એક વિશેષ CPR ટ્રેનિંગ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ઘણીવાર માર્ગ અકસ્માત, પાણીમાં ડૂબી જવું કે આગના ધુમાડાને કારણે વ્યક્તિ શ્વાસ લેવાનું બંધ કરી દે છે. આવી કટોકટીની પળોમાં એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી રાહ જોવાને બદલે જો CPR આપવામાં આવે તો વ્યક્તિનો જીવ બચવાની શક્યતા અનેકગણી વધી જાય છે. ભરૂચ RTO ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સંકલ્પ ફાઉન્ડેશનના જીતેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત લોકોને પ્રેક્ટિકલ ડેમો આપીને સમજાવ્યું હતું કે કઈ રીતે સાચી પદ્ધતિથી CPR આપીને દર્દીને નવું જીવન આપી શકાય.
તાલીમ સામાન્ય નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે
આ તાલીમ શિબિરમાં RTO કચેરીના ૬૦ થી વધુ કર્મચારીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ ઉપરાંત કચેરીએ પોતાના કામ અર્થે આવેલા અરજદારોએ પણ આ મહત્વની તાલીમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી પી.પી. મોકાશી અને ARTO પંકજ પઢિયાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટી અને તેમની ટીમે પણ આ સેવાયજ્ઞમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આજના ભાગદોડભર્યા યુગમાં હૃદયરોગના હુમલા અને અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે ત્યારે આવી તાલીમ સામાન્ય નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. ઉપસ્થિત તમામ લોકોએ માનવ જીવન બચાવવા માટેની આ ઉમદા કલા શીખીને સામાજિક જવાબદારી નિભાવવાનો સંકલ્પ કર્યો હતો.